Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

ગાંધીનગરના નાના ચીલોડામાં વેપારી અને ઝુંડાલમાં એક ફાર્માસિસ્ટને કોરોના પોઝિટિવ

ગાંધીનગર તાલુકામાં કોરોના પોઝિટિવનાં પાંચ કેસ નોંધાતાં ગ્રામજનોમાં ફફડાટ

ગાંધીનગર તાલુકાનાં નાના ચિલોડા ખાતે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં આવેલ ખાનગી સોસાયટી ક્રિષ્ના બંગલોઝમા ચવાણુ વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. અને ગાંધીનગર તાલુકાનાં ઝુંડાલ ગામમાં રહેતાં અને અમદાવાદ ખાતે ઘાટલોડિયા હેલ્થ સેન્ટરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતાં એક આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગરમાં રચવામાં આવેલી કલસ્ટર ટીમ આજે ખોરજ, જમીયતપુરા, અને શેરથાની મુલાકાતે હતી. ત્યારે ઝુંડાલ ગામમાં ગાંધીનગર જિલ્લાનો કોરોના પોઝિટિવનો ૧૯મો કેસ બહાર આવ્યો હતો. આ સાથે ગાંધીનગર તાલુકામાં કોરોના પોઝિટિવનાં પાંચ કેસ નોંધાતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની જાણ થતાં જ જીલ્લા વિકાસ અધિકારી આર.આર રાવલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.હરેશ ત્રિવેદીએ ક્રિષ્ના બંગલોઝની રૂબરૂ મુલાકાત લીધી હતી.

 આ સોસાયટીના પ્રમુખ અને કમિટી મેમ્બરને સોસાયટીમાં કડક રીતે લોકડાઉનનો અમલ થાય, સોસાયટીમાં બહારથી આવતા લોકોની અવર જવર રજીસ્ટરમાં નોંધ થાય તે અંગે સોસાયટીના પ્રમુખ અને કમીટી અને જણાવી સોસાયટીના તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈન અને સોશ્યિલ ડિસ્ટન્સીંગનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, સંપર્કમાં આવેલ લોકો, દર્દીની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી, હાઉસ ટુ હાઉસ આરોગ્ય વિષયક સર્વેની કામગીરી શરૂ કરી હતી. સોસાયટીના રહીશોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે અને સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા માટે જણાવાયું હતું.

(9:43 pm IST)