Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આજની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી જેવા સક્ષમ-સાહસી લીડરની જરૂર છે

વલસાડ અને છોટાઉદેપુરમાં અમિત શાહ દ્વારા આક્રમક પ્રચાર : ટુકડે ટુકડે ગેંગને પ્રોત્સાહન આપવા રાહુલ ગાંધી જેએનયુ ખાતે પહોંચી ગયા હતા જેથી દેશ વિરોધી તત્વનું મનોબળ વધી ગયું હતું : અમિત શાહના પ્રહાર

અમદાવાદ,તા.૧૯ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. અમિત શાહે વલસાડ લોકસભાના ધરમપુર તાલુકામાં આવતા માલનપાડા અને છોટાઉદેપુર લોકસભામાં બોડેલી ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરીને કોંગ્રેસ પાર્ટી અને વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, આજની પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સક્ષમ અને નિર્ણાયક તથા સાહસી લીડરની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટુકડે ટુકડે ગેંગને પ્રોત્સાહન આપી રહેલા લોકોને ખુલ્લા પાડી દેવાનો સમય છે. ભારત તેરે ટુકડે ટુકડે હોંગે જેવા નારા લાગ્યા ત્યારે રાહુલ ગાંધી ત્યાં પહોંચી ગયા હતા અને આવા નિવેદનોને વાણી સ્વતંત્રતા ગણાવીને દેશ વિરોધી તત્વોનું મનોબળ ધાર્યું હતું. કોંગ્રેસના શાસનમાં મોદીને રોકવા કાવાદાવા થતાં રહ્યા છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુર લોકસભામાં બોડેલી ખાતે આયોજિત જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ તેઓને આજે માં મહાકાળીના ધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આપ સૌના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે. તેથી જ માં મહાકાળીના ચરણોમાં પ્રણામ કરીને હું મારી વાતની શરૂઆત કરવા માગું છું. છોટાઉદેપુરની ધરતી લહેવાટ ગામના પરાક્રમી જવાન અને શૌર્યચક્રથી સન્માનિત નિલેશ રાઠવા જેવા નિડર અને સાહસી વીર રાઠવા સમાજની ભૂમિ છે. શાહે જણાવ્યું હતું કે, આગામી ૨૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાતની જનતા તમામ ૨૬ બેઠકો પર જંગી મતદાન કરી પ્રચંડ બહુમતી સાથે ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવે તેવી વિનંતી કરવા છોટાઉદેપુરની પવિત્ર ધરતી પર આવ્યો છું. છેલ્લા ચાર મહિનાથી હું સમગ્ર દેશની ચારેય દિશામાં વિવિધ લોકસભા ક્ષેત્રમાં પ્રવાસ કરી રહ્યો છું અને આજે ૨૪૬માં લોકસભાક્ષેત્ર છોટાઉદેપુરમાં આવ્યો છું. સમગ્ર દેશમાં ફક્ત એક જ વાત સંભળાઈ રહી છે, મોદી... મોદી.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અસરકારક કાર્યપદ્ધતિથી છેલ્લા પાંચ વર્ષમાં જે જનહિતના કાર્યો કર્યા છે, ત્યારે સમગ્ર દેશની જનતાએ ૨૦૧૯માં પણ નરેન્દ્ર મોદીને ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનાવવાનો નિર્ણય કરી લીધો છે. નરેન્દ્ર મોદી આપણા છે અને આપણું ગુજરાત નરેન્દ્રભાઈનું છે એટલે ગુજરાતની તો ૨૬ બેઠકો જીતાડવાની એક વિશેષ ફરજ છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ફરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ગરીબી હટાવીશું અમે ગરીબી હટાવીશું. પાંચ-પાંચ પેઢી અને ૫૫ વર્ષ સુધી દેશમાં એક જ પરિવારે રાજ કર્યું અને ગરીબો માટે કંઈ જ ન કર્યું તેવા લોકો હવે ગરીબો માટે શું કરશે ? કોંગ્રેસે ગરીબ-પીડિત-શોષિત ખેડૂતોના ખોબે ને ખોબે મત લઈને વર્ષો સુધી સરકારો બનાવી પણ તેમના ઉત્થાન માટે વિકાસનું કોઈ કાર્ય નથી કર્યું. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકાર સંપૂર્ણ રીતે દેશના ગરીબ વર્ગને સમર્પિત રહી છે. જે કાર્યો છેલ્લા સિત્તેર વર્ષમાં નથી થયા તેવા કાર્યો આ પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યા છે. સાત કરોડ કરતાં વધુ ગરીબ માતાઓ-બહેનોના ઘરમાં મફત ગેસ કનેક્શન, આઠ કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરી માતા-બહેનોનું સન્માન, અઢી કરોડ લોકોને મકાન, બે કરોડ પાંત્રીસ લાખ લોકોને વીજળીનું કનેક્શન અને દેશના ૫૦ કરોડ નાગરિકોને આવરી લેતી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના એવી ''આયુષ્માન ભારત'' યોજના હેઠળ પાંચ લાખ સુધીનો ખર્ચ સરકાર ભોગવશે સહિતની અનેકવિધ યોજનાઓને અમલમાં મૂકીને નરેન્દ્ર મોદીએ દેશના જરૂરિયાતમંદ વર્ગની ચિંતા કરી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ ૨૩ લાખ ગરીબોના ઓપરેશન વિનામૂલ્યે સફળ રીતે થઈ ચૂક્યા છે. જ્યારે-જ્યારે કોંગ્રેસની સરકાર દેશમાં રહી ત્યારે-ત્યારે કોંગ્રેસે ગુજરાતને સતત અન્યાય જ કર્યો છે. જવાહરલાલ નહેરુએ સરદાર સાહેબનો વિરોધ કર્યો, ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈનો વિરોધ કર્યો અને આજે સોનિયાબેન અને રાહુલબાબા આપણા નરેન્દ્રભાઈને રોકવા કાવાદાવા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કોંગ્રેસે ગુજરાતના વિકાસયજ્ઞમાં હાડકા નાખવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. જો આજે નરેન્દ્ર મોદી ન હોત તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ક્યારેય પૂર્ણ થઈ શકી ન હોત અને રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવા માટેના પાણી માટે ટળવળવું પડતું હોત. દરમિયાન આજરોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વલસાડ લોકસભાના ધરમપુર તાલુકામાં આવતા માલણપાડા ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું. અમિત શાહે વિજયના સંકલ્પની મુઠ્ઠીવાળીને હાથ ઊંચા કરી ''ભારત માતા કી જય''ના જયઘોષ સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. આઝાદી પછી દેશમાં પરંપરા રહી છે કે, જે વલસાડ જીતે તે પક્ષ દેશમાં સરકાર બનાવે છે. શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશનો માહોલ જોતા સ્પષ્ટ છે કે, ૨૦૧૯ની આ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર ફરી એકવાર બનવાનું નિશ્ચિત છે પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના હોય ત્યારે આપણી સૌની એક સવિશેષ ફરજ બને છે ત્યારે આપણે સૌ ગુજરાતની તમામ બેઠકો આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીને અર્પણ કરીએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસી કલ્યાણ અસરકારક રીતે કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશને પૂરું પાડ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમ્યાન મોદીએ ૨૦૦૫માં દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આદિવાસીઓને વસ્તીના અનુપાતમાં બજેટ ફાળવીનબંધારણીય અધિકાર અપાવ્યો હતો.

 

(8:29 pm IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST