Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

૧૬૧ કિલોમીટરમાં વહેતી ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ નજીકની નર્મદા નદી બની સુકીભઠ્ઠ

ભરૂચ :161 કિલોમીટરમાં વહેતી અને ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીની હાલત પહેલીવાર દયનીય બની છે. છેલ્લાં પાંચ વર્ષથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નિચાણવાસમાં પૂરતુ પામી ન છોડાતા આજે નર્મદા નદીના એવા હાલ થઈ ગયા છે, કે જોનાર પણ હચમચી ઉઠે. ભરૂચમાંથી વહેતી આ નદી હવે દરિયા જેવી બની ગઈ છે. કાળઝાળ ગરમીને કારણે સૂકા ભઠ્ઠ નદીના પટમાં કુદરતી રીતે જ મીઠુ પકવવાની શરૂઆત થઈ ગઈ છે. જાણો કચ્છના સફેદ રણ જેવો નજારો થઈ ગયો છે. આખો પટ સફેદ થઈ ગયો છે. બારેમાસ વહેતી નદીની આવી હાલત જોઈને કોઈને પણ કહી ન શકે, તે આ જ ગુજરાતની જીવાદોરી નર્મદા છે.

સરદાર સરોવર ડેમમાંથી રોજ 600 ક્યુસેક પાણી છોડાતુ હોય છે. પણ તે પાણી પણ ધોમધકતા તાપમાં વરાળ બનીને ઉડી જાય છે, અથવા તો જમીનમાં શોષાઈ જાય છે. નિચાણવાસમાં હાલ જે નર્મદા નદીમાં જે પાણી જોવા મળી રહ્યું છે, તે દરિયાનુ ખારુ પાણી છે. જેથી ગરમીમાં પાણી ઉડી જતા, મીઠુ જમીન પર પથરાયેલું દેખાય છે. બસ, એવુ જ જે કચ્છના સફેદ રણમાં જોવા મળે છે. હાલ ભરૂચનો નર્મદા નદીનો પટ, કચ્છના રણ જેવો જ ભાસી રહ્યો છે. નદીના પટમાં મીઠાની ચાદર દેખાઈ રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

કબીરવડની પરિસ્થિતિ પણ ખરાબ

નર્મદા નદીમાં માંડ માંડ પાણી જોવા મળી રહ્યું છે, ત્યાં કબીરવડની હાલત પણ ખરાબ છે. અહીં નદીમાં બોટ ચલાવી શકાય તેટલુ પાણી પણ નથી. હોડી ચલાવીને પેટિયુ રળતા નાવિકો પણ ચિંતામાં આવી ગયા છે કે, ગરમી કેવી રીતે કાઢવી.

લોકો નદીમાં ઉતરીને લઈ રહ્યા છે સેલ્ફી

નદી કાંઠે બરફ જામી જવાને કારણે ભરૂચમાં રહેતા લોકો તથા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં નર્મદાનો પટ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેમના માટે તો સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવો ઘાટ બની ગયો છે. જો ભરૂચમાં જ કચ્છના રણ જેવો માહોલ મળી જતો હોય, તો કચ્છ સુધી કેમ લાંબુ થવું. હાલ લોકો પગપાળા નદીનો પટ ઓળંગી રહ્યાં છે. તો કેટલાક નદીના પટમાં ઉતરીને સેલ્ફીઓ અને તસવીરો લઈ રહ્યાં છે.

જો આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે, તો ચોમાસા પહેલા નર્મદા નદી પર મીઠાના જાડા થર જામતા જશે, અને ચોમાસામાં જે પાણી આગળ વહશે, તે વહેતા પાણી સાથે મીઠુ પણ ભળશે.

(5:08 pm IST)