Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દરેક મતદાન મથક પર CRPF: ર૦૦ મીટરની બહાર સ્થાનિક પોલીસ

બે દિવસમાં સુરક્ષા જવાનો ગુજરાત આવવા લાગશેઃ મતદાન પુર્વેના દિવસોમાં ફલેગ માર્ચઃ કાયદો વ્યવસ્થા જાળવવા ચૂંટણી પંચના પગલા

રાજકોટ, તા., ૧૯: ગુજરાતમાં ર૩ એપ્રિલે યોજાનાર લોકસભાની ર૬ બેઠકોની સામાન્ય ચૂંટણી અને ધારાસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ થઇ ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક જિલ્લામાં કલેકટરોને વખતોવખત સુચના આપવામાં આવી રહી છે. દરેક મતદાન મથક પર સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ગોઠવાશે. મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર સ્થાનિક પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત રહેશે. મુકત અને ન્યાયી ચૂંટણી માટે કેમેરા, વેબકાસ્ટીંગ વગેરે ઉપરાંત લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. ચૂંટણી પંચે દર વખતની જેમ મતદાન પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની  કામગીરીને આખરી ઓપ  આપ્યો છે. ગુજરાતમાં પ૧ હજાર જેટલા મતદાન મથકો છે. તમામ સ્થળોએ ઇવીએમ અને વીવીપેટની પધ્ધતીથી મતદાન થશે. મતદાન મથકમાં કોઇ ગરબડ ન કરે તે માટે મતદાન મથક દીઠ સીઆરપીએફના બબ્બે જવાનો બંદોબસ્તમાં મુકાશે. મતદાન મથકની ત્રીજયા બહાર સ્થાનીક પોલીસ બંદોબસ્તમાં રહેશે.  રાજયમાં છેલ્લી ચૂંટણીઓનો અનુભવ એવો છે કે કયાંય મતદાન મથક કબ્જે કરવા જેવા બનાવો બનતા નથી પરંતુ પુર્વ સાવચેતીના પગલારૂપે ચૂંટણી પંચ જરૂરી તમામ વ્યવસ્થા કરશે. મતદાન મથકમાં કોઇ વ્યકિત નિતી નિયમનો ભંગ કરે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થતી જણાય તો ફરજ પરના સીઆરપીએફના જવાનો મામલો સંભાળશે. મતદાન મથકની બહાર કયાંય  કાયદો વ્યવસ્થા જોખમાય તો એસઆરપી અને સ્થાનીક પોલીસે કાર્યવાહી કરવાની રહેશે.  સીઆરપીએફના જવાનો ગુજરાતમાં ચૂંટણી ફરજ માટે બે દિવસમાં જ આવી પહોંચશે. મતદાન પુર્વેના દિવસોમાં જે તે વિસ્તારમાં કુચ કરશે. સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે.

(3:41 pm IST)