Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

છોટાઉદેપુર જીલ્લાની હદમાં સાજનપુર ગામના લોકો ગુજરાતની હદમાં હોવા છતાં મતદાન નહીં કરી શકે

છોટાઉદેપુર :અગામી 23મી એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે. પરંતુ ગુજરાતની જ હદના સાજનપુરમાં 23મી એપ્રિલે ચૂંટણી નહિ થાય. આ માટે તેનો ઈતિહાસ જાણવો જરૂર છે, જે રોમાંચક છે.

ગુજરાત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની હદમાં સાજનપુર ગામ આવેલું છે. 554 હેક્ટરમાં પથરાયેલું આ સુંદર રમણીય ગામ. જેમાં 200 પરિવારનાં છૂટાછવાયા પાંચ ફળીયામાં મળીને કુલ 1317 લોકોની વસ્તી ધરાવે છે આ ગામ. લોકોને જરૂરી એવી તમામ પાયાની રોડ રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ હોય કે પછી સરકારની શૌચાલય યોજના હેઠળ આવાસ અને શૌચાલય તમામ સુવિધાઓ ગામલોકો માટે ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇ ગલીએ ગલીએ રાજકીય માહોલ છવાયેલો છે. પરંતુ સાજનપુરમાં એકદમ શાંતિ જોવા મળી રહી છે. ક્યાંય કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારનું બેનર જોવા નથી મળી રહ્યું. કારણ કે આગામી 23મી એપ્રિલના રોજ ભલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થશે, પરંતુ ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લાની હદનાં સાજનપુર ગામમાં મતદાન નહિ થાય. કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ સાજનપુર ગામ ભલે ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલું છે, સાજનપુર ગામની ચારે બાજુ ગુજરાતનાં ગામો આવેલા છે, પરંતુ સાજનપુરની સ્થતિ એક ટાપુની જેમ છે. દેશ આઝાદ થયો ત્યારથી તેનો સમાવેશ મધ્ય પ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલો છે, જેથી ત્યાં 23મી એપ્રિલનાં રોજ નહિ પરંતુ, જ્યારે મધ્ય પ્રદેશમાં ચુંટણી થશે. એટલે કે, ત્યારે અહીં 19મીના રોજ મતદાન પ્રક્રિયા થશે.

આ વિશે કઠીવાડા બ્લોકના વિસ્તરણ અધિકારી સુરેન્દ્રસિંહ પરિહરનું કહેવુ છે કે, આઝાદી પૂર્વે રજવાડાઓના સમયમાં હાલમાં મધ્ય પ્રદેશમાં આવેલા અલીરાજપુર સ્ટેટમાં સમાવિષ્ટ સાજનપુર ગામના લોકોની માંગને લઈ આઝાદી બાદ તેને મધ્યપ્રદેશ રાજ્યમાં રાખવામાં આવ્યો અને ત્યારથી લઇ આજ સુધી સાજનપુર ગ્રામનું વહીવટ મધ્ય પ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગામમાં વસતા તમામ લોકો આદિવાસી પરિવાર છે. તેઓના મોટાભાગના આર્થિક વ્યવહારો છોટાઉદેપુર અને ગુજરાત સાથે છે, પરંતુ વહીવટી અને સામાજિક વ્યવહારો મધ્યપ્રદેશ સાથે છે. તો અહી વસતા લોકોની ભાષા, સંસ્કૃતિ, રીત-રીવાજો મિશ્ર જોવા મળે છે.

જોકે મધ્યપ્રદેશનાં વહીવટી તંત્રએ ગામને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેથી તેઓએ ક્યારેય પોતાના ગામને ગુજરાતમાં સમાવવાની માંગ નથી કરી. ગામ લોકો અને ગામના સરપંચનું માનીએ તો, સાજનપુર ગામમાં આવવું હોય તો ગુજરાતની હદના રસ્તાઓ ઉપર થઈને જ આવી શકાય છે. ગામમાં આવવા માટે મુખ્ય માર્ગ એવા છોટાઉદેપુર-અલીરાજપુર હાઈવેને જોડતો ગુજરાતની હદમાં આવેલો છે. જોકે, આ રસ્તો કાચો હોવાથી ગુજરાત સરકાર પાકો ડામર રોડ બનાવી આપે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.

(5:24 pm IST)