Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

રાષ્ટ્રીય કક્ષાએ ફરી એક વાર ચક્ર ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવી રેકોર્ડ બનાવતા અમદાવાદ જીલ્લાના શિક્ષિકા દર્શના પટેલ

સખત મહેનત અને સંઘર્ષ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એટલે લક્ષ્યને પામવા માટે સોનાની જેમ ચમકવું હોય તો પોતાની જાતને આગમાં તપાવવી પડે : દર્શના પટેલ

 અમદાવાદ : ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ દ્વારા ચંદીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 19 માર્ચ થી 21 માર્ચ સુધી રાષ્ટ્રીય કક્ષાનુંઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા દર્શના પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર શિક્ષણ વિભાગનું નામ રોશન કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ ફરી એક વાર મેડલ જીતીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે

  . અત્રે ઉલ્લેખનિય છે કે, દર્શના પટેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ રાષ્ટ્રીય કક્ષાએ ચક્ર ફેકમાં મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા છે. વર્ષ 2021માં હરિયાણા ખાતે સિલ્વર મેડલ અને 2023માં પુને બ્રોન્ઝ મેડલ રાષ્ટ્રીય કક્ષાએ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દર્શના પટેલ બાળપણથી  અત્યાર સુધી અંદાજે 40થી વધારે ગોલ્ડ મેડલ અને 20 થી વધારે સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. 

  દર્શના પટેલ બાળપણથી જ રમતગમત ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ મેળવી ચેમ્પિયન બનેલ છે  અને શાળાના વિદ્યાર્થીઓને પણ રમત ગમત  ક્ષેત્રે ખૂબ જ સરસ કોચિંગ આપી વિદ્યાર્થીઓને સ્ટેટ કક્ષાએ ચેમ્પિયન બનાવેલ છે. આ ઉપરાંત તાલુકા જિલ્લા શાળાઓને પણ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. દર્શના પટેલ રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં એક નવો ઇતિહાસ રચીને સમગ્ર ગુજરાતનો અને શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું છે. મલ્ટી ટેલેન્ટેડ દર્શના પટેલ નેશનલ એથ્લિટ સાથે સાથે લેખક, કવિ, શિક્ષિકા, સમાજસેવિકા અને ગૃહિણી માર્ગદર્શક, કોચ પણ છે.  

   મેડલ જીત્યા પછી દર્શના પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સખત મહેનત અને સંઘર્ષ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. લક્ષ્યને પામવા માટે સોનાની જેમ ચમકવું હોય તો પોતાની જાતને આગમાં તપાવવી પડે, કઠિનાઈ અને સખત સંઘર્ષ વિના જીવનમાં સારા દિવસો ક્યારેય નહીં આવે, પોતાની જાતને અંદરથી મજબૂત સ્ટ્રોંગ બનાવો જિંદગી બદલવી છે તો પોતાના પર કામ કરો

(6:20 pm IST)