Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ગાંધીનગરમાં એક જ દિ'માં ૩૯પ કરોડના વિકાસ કામોની ભેટ આપતા વિજયભાઇ

કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાના ભણકારા વચ્ચે સરકાર વરસી

 (અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હવે આપણે ૨૪૭ પાણી, મેટ્રોલ રેલ જેવી સુવિધા, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર,, ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન અને ડિઝીટલ સેવાઓથી સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરોના નિર્માણ સાથે આયોજનબદ્ધ વિકાસ અને પ્રગતિની નવી દિશા લીધી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં રૂ. ૩૯પ કરોડના વિવિધ વિકાસ કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે ગાંધીનગર મહાપાલિકા તંત્ર અને પદાધિકારીઓને ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસકામો માટે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાછલા એક-સવા વર્ષથી કોરોના સંક્રમણની વ્યાપકતા વચ્ચે પણ ગુજરાતની વિકાસ ગતિ અટકી નથી. જ્યાં માાનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે આ સરકારે કોરોના કાળમાં રૂ. ર૮ હજાર કરોડના વિકાસ કામો હાથ ધર્યા છે.

હવે આપણે ૮ મહાનગરો સહિત રાજ્યના નગરોમાં આધુનિક આયામો સાથે મેટ્રોરેલ જેવી સગવડો આપીને ગ્રીન-કલીન ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા ઊભી કરવાની મનસા રાખી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરો-મહાનગગરોના વિકાસને વધુ વેગવંતો બનાવવા રાજ્યના આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે રૂ. ૧૪ હજાર કરોડની ફાળવણી કરી છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસ એ જ માત્ર લક્ષ્ય અને છેવાડાના માનવી ગરીબ, વંચિત, પીડિત સુધી વિકાસના ફળ પહોચે તેવા ધ્યેય સાથે કાર્યરત આ સરકારને જનતા જનાર્દને પણ સર્વત્ર સ્વીકારી મત નહિં આશીર્વાદ આપ્યા છે તેમ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે આવનારા દિવસોમાં પાટનગર ગાંધીનગરના નાગરીકો પણ વિકાસની આ રાજનીતિને વધાવશે અને ગાંધીનગરના વિકાસ કામો પ્રગતિના આ પથને વધુ ઉન્નત બનાવવામાં પ્રેરણારૂપ બનશે.

ગાંધીનગરના મેયર શ્રીમતી રિટાબહેન પટેલે સૌને આવકારી રૂ. ૩૧૭ કરોડના વિવિધ ખાતમૂર્હત અને રૂ. ૭૮ કરોડના લોકાર્પણ કામોથી પાટનગરમાં શહેરી જનજીવન સુખકારી સુવિધામાં વૃદ્ધિ થશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ અવસરે ખાતમૂર્હત થયેલા કામોમાં મુખ્યત્વે સોલીડ વેસ્ટ કલેકશન, હયાત આસ્ફાલ્ટ રોડ રિસરફેસ, સી.સી.રોડ નિર્માણ, પાટનગરના ૬ પ્રદેશદ્વાર પર ગેન્ટ્રી, બે અંડર પાસ, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મહાપાલિકા કચેરી લોકાર્પણ, નવા વ્હીકલ પૂલનું બાંધકામ અને ચ-૦ સર્કલ ખાતે ૩૦ મીટર ઊંચા રાષ્ટ્રધ્વજ પોલના કામોના ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હત મુખ્યમંત્રીશ્રીએ કર્યા હતા.

ગાંધીનગર મહાપાલિકાના હોદ્દેદારો, ડેપ્યુટી મેયર નાઝાભાઇ, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષભાઇ, સંગઠનના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર ડો.રતન ચારણ ગઢવીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(4:26 pm IST)