Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

અમદાવાદમાં ભાડાની દુકાનમાંથી પોલીસે કબ્જે કરેલા 70 કિલો ગૌમાંસ કેસ:કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા

કોર્ટે નોંધ્યું -- આરોપી આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

અમદાવાદમાં ભાડાની દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ પોલીસ દ્વારા જપ્ત કરવાના કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે. પોલીસ દ્વારા દુકાનમાંથી 10,500 રૂપિયાનો ગૌમાંસ ઝડપી પાડ્યો હતો

કોર્ટે આરોપી રિઝવાન કુરેશીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપી આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કિસ્સામાં ગાયની કતલ થયા બાદ આરોપીની દુકાનમાંથી ગૌમાંસ મળી આવ્યું છે. ગૌમાંસ મુદ્દે કાયદામાં સુધારો કરી વધુ કડક બનાવવામાં આવ્યો હોવા છતાં આ પ્રકારની ઘટના બની છે. કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

આ મુદ્દે સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આ દુકાનના મૂળ માલિકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે આરોપીનો ભાડા કરારનો સમય પૂરો થઈ ગયા હોવા છતાં દુકાનનો કબ્જો સોંપ્યો નહિ અને ત્યારપછી દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ પોલીસને મળી આવ્યો હતો. આ સમગ્ર બનાવ બાદ આરોપીએ પોલીસ સ્ટેશનના પહેલા માળથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારપછી સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપીના જામીન ફગાવી દેવામાં આવે.

અરજદાર – આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપીનો ભાડા કરાર જ્યારે દુકાનમાંથી બીફ કજબે કરાયો તેના પહેલા પૂરો થઈ ગયો છે અને આ મુદામાલ સાથે તેના કોઈ લેવા દેવા નથી. પોલીસે દુકાનમાંથી 70 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યો જોકે એ વખતે દુકાનનો કબ્જો આરોપી પાસે ન હતો તેવી રજુઆત કરી હતી. આરોપી નિર્દોષ છે અને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે પોલીસે બાતમીના આધારે દુકાન પર દરોડા પાડતા તેમાંથી રૂપિયા 10,500ની કિંમતવાળું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે આ ગૌમાંસ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

(8:54 pm IST)