Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના : SSRD ચાલુ રહેતા નવો વિવાદ સપાટી પર આવ્યો

આરોગ્ય ખાતુ મોટુ કે મહેસૂલ ખાતુ તેને લઇ સવાલ : તમામ આરોગ્ય વિષયક વ્યવસ્થા વચ્ચે ટોચની સંસ્થાઓ બંધ છે ત્યારે એસએસઆરડી ચાલુ રહેતા વિવાદ સર્જાયો

અમદાવાદ,તા. ૧૯ : કોરોના ઇફેકટને લઇ દેશની સર્વોચ્ચ અદાલત, ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાતની તમામ નીચલી કોર્ટોમાં અરજન્ટ કેસો સિવાય બંધનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે એસ.જી. હાઇવે પર ગોતા પાસે આવેલી સ્પેશ્યલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ (એસએસઆરડી) કચેરી કે જયાં જમીન મહેસૂલીને લગતાં વિવિધ પ્રકારના કેસો ચાલતા હોય છે અને સેંકડો વકીલો-પક્ષકારોની આવનજાવન હોય છે તે કચેરી ચાલુ રાખવામાં આવતાં તેને લઇ હવે નવો વિવાદ સામે આવ્યો છે. ખાસ કરીને વકીલો-પક્ષકારો અને ખુદ સરકારના વર્તુળમાં પણ એસએસઆરડી કચેરી ધમધમતી રહેતાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

        કેટલાક વકીલો દ્વારા ટવીટ્ કરી ખુદ રાજય સરકાર, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, આરોગ્ય મંત્રી સહિતના સત્તાવાળાઓનું સમગ્ર મામલે ધ્યાન પણ દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે એસએસઆરડી શું કોરોના વાયરસથી ફુલપ્રુફ છે તેવી ચર્ચાએ પણ જોર પકડયુ છે. તો એકબાજુ, ખુદ રાજયનું આરોગ્ય ખાતા દ્વારા ભારે ભીડ જમા નહી કરવા અને વધુ લોકોની આવનજાવન હોય તેવા સ્થળોએ બંધ રાખવા નિર્દેશો કરાય છે તો, બીજીબાજુ, જમીન મહેસૂલી સહિતના કેસો જયાં ચાલે છે તે એસએસઆરડી ચાલુ રહેતાં હવે આરોગ્ય ખાતુ મોટુ કે મહેસૂલ ખાતુ મોટુ ? તેવો ગંભીર પ્રશ્નાર્થ પણ ચર્ચાની એરણે ચઢયો છે. એસએસઆરડી કચેરીમાં જમીનની એન્ટ્રીના, એનએને લગતા, ટુકડા ધારાના, મુંબઇ જમીન મહેસૂલ સંહિતા, ઘરખેડના, સરકારી જમીનના, હક્કપત્રકના, કચ્છ ઇનામ નાબૂદીધારાના, ડિસ્ટર્બ એરિયાની અપીલો સહિતના વિવિધ પ્રકારના કેસો મુખ્યત્વે ચાલતા હોય છે.

       જેમાં વકીલો-પક્ષકારો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએથી આવતા હોય છે. હાલ કોરોના ઇફેકટને લઇ રાજયના તમામ વિભાગો અને તંત્રમાં આરોગ્ય વિષયક સલામતી અને સાવધાનીના નિર્દેશો જારી કરાયા છે. જેને લઇ ખુદ ગુજરાતમાં હાઇકોર્ટ સહિત નીચલી કોર્ટોમાં પણ અરજન્ટ કેસો સિવાયના કેસોની સુનાવણી હાથ નહી ધરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે એસએસઆરડી કચેરી ધમધમતી રહેતાં વિવાદમાં ફસાઇ છે. કારણ કે, રાજયભરના દૂરદૂરથી આંતરિયાળ વિસ્તારમાંથી પણ લોકો પોતાના કેસને લઇને અહીં આવતા હોય છે ત્યારે તેઓ રેલ્વે-ટ્રેન, એસટી બસ, ખાનગી ટ્રાવેલ્સ બસ, ખાનગી વાહનો સહિતના વિકલ્પો મારફતે અહીં આવતા હોય છે, જેને લઇ કોરોના વાયરસના ફેલાવા અને ચેપનો  ગંભીર ખતરો બની રહે છે કે કોઇને કયાંથી ચેપ લાગી ગયો હોય અને અહીં આવે ને બીજાને ફેલાય કે સંક્રમણ થાય તો પરિસ્થિતિ ગંભીર અને વિકટ બને

       પરંતુ તમામ સંભવિત અસરોને ધ્યાનમાં લીધા વિના કે કોરોના સંક્રમણની દહેશતને અવગણીને એસએસઆરડી કચેરી ચાલુ રાખવામાં આવતાં વકીલો-પક્ષકારો સહિતના લોકોને દૂરદૂરથી ધક્કા ખાવા પડી રહ્યા છે. સંકુલમાં થર્મલ સ્કેનીંગ કે અન્ય કોઇ તબીબી પરીક્ષણ કે તબીબી સુવિધા પણ તૈનાત રખાઇ નથી, જેને લઇને પણ વકીલો-પક્ષકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજીબાજુ, કેટલાક જાગૃત વકીલોએ સમગ્ર મામલાને ગંભીર ગણી અંગે ટવીટ્ કરી ખુદ રાજય સરકાર અને મુખ્યમંત્રી રૂપાણી સહિતના સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે. જયારે ખુદ સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ સહિત ગુજરાતની તમામ નીચલી કોર્ટોમાં તા.૩૧મી માર્ચ સુધી કેસોની સુનાવણી સ્થગિત રાખવા નિર્ણય લેવાયો હોય ત્યારે એસએસઆરડી કચેરીમાં એવી શું અરજન્સી આવી પડી છે અને કચેરી અને કોર્ટ કામગીરી ચાલુ રખાઇ છે, તેને લઇને હવે ગંભીર સવાલો ઉઠયા છે.

(8:42 pm IST)