Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જાતીય સતામણી-દુષ્‍કર્મ બનાવો અટકાવવા માટે વડોદરામાં પોલીસ દ્વારા પ્રશંસનીય પગલુઃ સ્‍કુલ વાન-બસમાં ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવા આદેશ

વડોદરા: આજે નાની બાળકીઓ પણ જાતીય સતામણી તથા દુષ્કર્મનો ભોગ બની રહી છે. ખાસ કરીને સ્કૂલ વાન કે બસમાં જતી બાળકીઓને ડ્રાઈવરો દ્વારા સતામણી કરવામાં આવતી હોય છે. આવામાં આ પ્રકારની સતામણી રોકવા માટે વડોદરા પોલીસ દ્વારા પ્રશંસનીય પગલુ લેવામાં આવ્યું છે. સ્કુલ વર્દીના વાહનોમાં વિદ્યાર્થીનીઓ સાથે થતી સતામણીના મામલામાં વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્કુલ વાન, રીક્ષા અને બસમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ કર્યાં છે. સાથે જ કેમેરાની લાઈવ ફીડ કે લિંક બાળકોના માતાપિતા અને સ્કુલના પ્રિન્સીપાલને આપવા આદેશ કર્યો છે. 

ઘરે બેઠા બેઠા વાલીઓ સ્કુલ વાહનોમાં પોતાના બાળકોને જોઈ શકશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં આ પ્રકારનો આદેશ કરાયો છે. તો સાથે જ જાહેરનામાનો અમલ ન કરનારા સ્કુલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી શકાશે. આમ, માતાપિતા આરામથી પોતાના સંતાનોને કોઈ પણ ડર વગર સ્કૂલમાં મોકલી શકશે.

સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરામાં જ આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતી તખા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, વાન તથા બસના માલિકોએ હવેથી ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. આ કેમેરાની સાથે જ કોલેજ-સ્કૂલના પ્રિન્સીપાલ અને મેનેજમેન્ટને મોબાઈલ ફોન, કમ્પ્યૂટર અને લેપટોપ પર તેની લિંક મળી રહે તેવા પણ સૂચનો કરાયા છે.

(4:50 pm IST)