Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ગુજરાતમાં સરેરાશ દરરોજ કેન્સરથી ૩, એઈડસથી ૨, ટીબીથી ૧૪ લોકોના મૃત્યુ

રાજ્યમાં બે વર્ષમાં કેન્સરના ૩૪૭૩૩, એઈડસના ૧૮૦૯૧ અને ક્ષયના ૨૨૫૨૧૨ દર્દીઓ નોંધાયા

ગાંધીનગર, તા. ૧૯ :. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સર, એઈડસ અને ક્ષયના દર્દીઓ અંગે કોંગી ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી આપી હતી.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના ૩૪૭૩૩ દર્દીઓ નોંધાયા તેમાંથી ૨૨૫૦ મૃત્યુ પામ્યા છે. એઈડસના ૧૮૦૯૧ દર્દીઓ પૈકી ૧૫૫૭ મરણને શરણ થયા છે. ક્ષય (ટીબી)ના ૨,૨૫,૨૧૨ દર્દીઓ નોંધાયેલ જેમાંથી ૧૦૧૨૦નું મૃત્યુ થયુ છે. રાજ્યમાં કેન્સરથી દરરોજ ૩થી વધુ, એઈડસથી ૨થી વધુ અને ક્ષયથી દરરોજ ૧૪ જેટલા લોકો અંતિમ શ્વાસ ખેંચે છે.

બે વર્ષમાં રાજકોટમાં (રાજકોટ શહેર જિલ્લામાં) કેન્સરના ૧૬૫૮ દર્દીઓ પૈકી ૧૧૨ મૃત્યુ પામ્યા છે. એઈડસના ૧૦૮૫ પૈકી ૮૮ અને ક્ષયના ૬૫૩૧ પૈકી ૩૬૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કેન્સરના સૌથી વધુ ૧૦૮૦૧ દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. એઈડસમાં પણ અમદાવાદ મોખરે છે ત્યાં ૩૩૪૨ દર્દીઓ નોંધાયા છે. આ જ જિલ્લામાં ક્ષયના ૯૦૧૯ દર્દીઓ છે. ટીબીના દર્દીઓનું સૌથી વધુ પ્રમાણ દાહોદ જિલ્લામાં છે ત્યાં ૧૭૫૩૩ દર્દીઓ નોંધાયા છે.

(4:11 pm IST)