Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

રાજયસભા : ચાર સીટ માટે કુલ પાંચ ઉમેદવાર મેદાનમાં

ભાજપનાં ત્રણેય ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : કોંગીનાં બંને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં : કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ફર્સ્ટ પ્રેફરન્સ શક્તિસિંહને આપવાનો હુકમ

અમદાવાદ,તા. ૧૮ :     રાજ્યસભાની ચૂંટણીને લઈ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપનાં ત્રણેય ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. તો બીજી બાજુ કોંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામા બાદ કોઈપણ એક ઉમેદવારને ચૂંટણી જીતી શકે તેવી પરિસ્થિતિ છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. હજુ સુધી કોંગ્રેસનાં બંને ઉમેદવારોમાંથી કોઈએ ફોર્મ પરત નહી ખેંચતાં હવે રાજ્યસભાની ચાર સીટો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના બંને ઉમેદવાર ચૂંટણી લડશે તેવો નિર્ણય કોંગ્રેસની બેઠકમાં લેવાયો છે. પ્રથમ ઉમેદવાર તરીકે શક્તિસિંહ અને બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી હશે.

        ધારાસભ્યો સાથે રાજ્યસભાના બંને ઉમેદવારોએ બેઠક કરી હતી. તો અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ, શક્તિસિંહ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસની આ બેઠકમાં બંને સીટ પર જીતવાનો ધારાસભ્યોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો. તો ઘટતાં મત મેળવવા માટે પ્રયાસ ચાલુ હોવાનો ભરતસિંહે દાવો કર્યો હતો. બીટીપી અને એનસીપી સાથે હાલ વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તો બીજી બાજુ કોંગસનાં ધારાસભ્યોને હવે જયપુરનાં શિવ વિલાસ રિસોર્ટમાંથી અન્ય રિસોર્ટમાં ખસેડવામાં આવશે. આ તમામ ધારાસભ્યોને ફર્સ્ટ પ્રેફરન્સ શક્તિસિંહ ગોહિલને આપવા માટે જણાવાયું છે. તો તમામ ધારાસભ્યોને મતદાનના એક દિવસ પૂર્વે ગુજરાત લવાય તેવી શક્યતા છે. તો આજે તા.૧૮ માર્ચે રાજ્યસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે તેને લઇ આજે ભાજપના ૩ ડમી ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. ભાજપનાં અમિત શાહ, દિનેશ મકવાણા અને કિરીટસિંહ રાણાએ આજે પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે ગુજરાતમાં રાજ્યસભાની કુલ કુલ ૪ બેઠક પર પાંચ ઉમેદવારો હાલ મેદાનમાં છે. જેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોનો સમાવેશ થાય છે.

(9:51 pm IST)