Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધોરણ ૬થી ૮માં અમદાવાદમાં માત્ર ૧૫ ટકા હાજરી નોંધાઈ

ગુરુવારથી ધોરણ ૬થી ૮ના વર્ગો પણ શરુ થઈ ગયા : હાજરી ફરજિયાત નથી, ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે ત્યારે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા છે

અમદાવાદ,તા.૧૯ : અમદાવાદ રાજ્યમાં ગુરુવારથી ધોરણ ૬થી ૮ના વર્ગો પણ શરુ થઈ ચૂક્યા છે, પરંતુ મા-બાપ જાણે હજુય પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું ટાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ગઈકાલથી શરુ થયેલા ધોરણ ૬થી ૮માં સરેરાશ ૩૫ ટકા હાજરી નોંધાઈ હતી, પરંતુ અમદાવાદમાં તો આ પ્રમાણ માત્ર ૧૫ ટકા જેટલું રહ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, પહેલા દિવસે પ્રાથમિક શાળાના બે વર્ગોમાં પાંખી હાજરી જોવા મળી હતી. કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બાળકોના માતાપિતા તેમને આગામી દિવસોમાં સ્કૂલે મોકલવા તૈયાર ના હોય તેવું ચિત્ર હાજરીના આંકડા ઉપજાવી રહ્યા છે. અમદાવાદની એક સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, ધોરણ ૬થી ૮માં ભણતા ૧૦ ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓના માતાપિતા તેમને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે. મોટાભાગના માતાપિતાની દલીલ છે કે આ વર્ષનો મોટાભાગનો અભ્યાસક્રમ પૂરો થઈ ચૂક્યો છે, અને સ્કૂલોની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ હોવાથી હાલ બાળકોને સ્કૂલે મોકલવાની કોઈ જરુર નથી. સ્કૂલોએ પણ ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાની સાથે હાજરી પણ ફરજિયાત નથી રાખી. શિક્ષણ વિભાગે આ જ મહિનાની શરુઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈપણ ધોરણના વિદ્યાર્થીને સ્કૂલે આવવું ફરજિયાત નથી. આ ઉપરાંત, જેટલા પણ વર્ગો શરુ કરાયા છે તેના માટે પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને માસ્ક તેમજ સેનેટાઈઝને લગતા કડક નિયમો રાખવામાં આવ્યા છે. દરેક સ્કૂલમાં ગાઈડલાઈનનું પાલન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે પણ વિદ્યાર્થી સ્કૂલે આવી રહ્યા છે તેમના માટે પણ માતાપિતાની લેખિત મંજૂરી સ્કૂલમાં રજૂ કરવી ફરજિયાત છે.

(7:36 pm IST)