Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મહિલા ટીડીઓ અને હેલ્પરને ઘર ભેગા કરાયા

માત્ર ભ્રષ્ટાચારીઓ સામે છટકા ગોઠવી સંતોષ માનવાને બદલે એસીબી વડા કેશવકુમારની આ અનોખી રણનીતી અસરકારક પુરવાર થઇ રહી છે : બંન્નેની એસીબી દ્વારા 'અટક' પણ થયેલીઃ નવા કાયદાનો દંડુકો જોરશોરથી વિંઝાઇ રહયો છે

રાજકોટ, તા., ૧૯: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ  કે કર્મચારીઓ સામે કેસ કરીને જ સંતોષ માનવાને બદલે મૂળમાં ઘા કરી અન્ય ભ્રષ્ટ  અધિકારીઓ અને સ્ટાફ પર જડબેસલાક  ધાક બેસાડવા માટે એસીબી વડા કેશવકુમાર દ્વારા સાણસાવ્યુહ જેવી રણનીતીના ભાગરૂપે આવા કટકીબાજોને સુપ્રિમ કોર્ટ સુધી જામીન ન મળે તે માટે કાનુની જંગ, તેઓ ફરજમાંથી કાયમી બરતરફ થાય અને આવા કટકીબાજોની અટક થઇ શકે તેવી કાર્યવાહી  આગળ વધી રહી છે.

વડોદરા પંથકના તત્કાલીન મહિલા ટીડીઓ કામીનીબેન ઠાકોરભાઇ પંચાલને  લાંચના ગુન્હામાં અટક કરી તેઓની અન્ય જગ્યાએ બદલી કરાવ્યા બાદ એસીબી વડાના  સુચન મુજબ ફરજ મોકુફ પણ કરી દેવામાં આવ્યા છે.

આજ રીતે ગીર સોમનાથ(બાટવા)માં વર્ગ-૪માં હેલ્પર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ સાજણભાઇ ગળચર પાસેથી અધધ અપ્રમાણસર મિલ્કત મળ્યા બાદ તેની અટક કરી તેઓને ફરજમુકત કરવા એસીબી દ્વારા થયેલ લેખીત કાર્યવાહીના પગલે ભરતભાઇ સાજણભાઇ ગળચરને પીજીવીસીએલ કચેરીના હુકમથી કાયમી ધોરણે બરતરફ કરી દેવામાં આવ્યા છે.

આમ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા  એસીબી વડા કેશવકુમારે પોતાના સીબીઆઇના અનુભવને કામે લગાડી અને સ્ટાફને ટ્રેઇન કરવા સાથે લોકોમાં જાગૃત લાવવા માટે ગુજરાતભરની કોલેજોમાં પ્રવચનો યોજી યુવાનો વધુને વધુ સાથ-સહકાર આપે તેવી સ્થિતિ નિર્માણ કરી છે.

(12:30 pm IST)