Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોટેરા સ્ટેડીયમ પોલીસના પંજામાં: સાડા ચાર હજારથી વધુ પોલીસ દળ ગોઠવાયું

અમેરીકન પ્રમુખની સુરક્ષામાં કોઇ સમાધાન નહિ, સીએમ-કેન્દ્રીય ગૃહમંત્રી બાદ હવે ખુદ વડાપ્રધાન દ્વારા પણ ર૩મીની મધરાત્રે બંદોબસ્ત સ્કીમ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા : પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા-સ્પે.પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે અમદાવાદના ડીસીપીઓ સાથે ખાસ બેઠક યોજી : સીપી દ્વારા સ્ેટેડીયમનું ફરીથી નિરિક્ષણ

રાજકોટ, તા., ૧૯: દુનિયાના સૌથી વધુ શકિતશાળી દેશના પાવરફુલ અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા સહીત અમદાવાદની મુલાકાતે આવી રહયા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઇ ચુક ન રહે તે માટે ૭ કોઠા જેવી અભેદ સુરક્ષા વ્યવસ્થાની  ચકાસણી કરવા માટે અમેરીકન સિક્રેટ સર્વિસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા સરંજામના સાધનો સાથે ખાસ પ્લેનમાં  લાવવા સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ મોટેરા સ્ટેડીયમનું નિરીક્ષણ કરી ગૃહ રાજયમંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી અને કૈલાશનાથન તથા અમદાવાદના પોલીસ કમિશ્નર સાથે વિસ્તૃત ચર્ચા કર્યાના પગલે દેશના ગૃહમંત્રી અમીતભાઇ શાહ પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે ગુરૂવારે અમદાવાદ આવી રહયાના પગલે પગલે સમગ્ર સુરક્ષા વ્યવસથાની જાતે ચકાસણી કરવા માટે ખુદ વડાપ્રધાન પણ ર૩ ફેબ્રુઆરીએ  રાત્રે જ અમદાવાદમાં આવી બંદોબસ્ત સ્કીમ તથા વિવિધ દેખાવો સામે પોલીેસે ઘડેલી રણનીતીની ચર્ચા કરી માર્ગદર્શન આપનાર હોવાનું બહાર આવ્યું છે.

દરમિયાન આજથી જ સાડા હજાર  જેટલા પોલીસ કાફલાએ મોટેરા સ્ટેડીયમનો  કબ્જો સંભાળી લીધો છે. મોટેરા સ્ટેડીયમનો કબ્જો સંભાળતા અગાઉ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા તથા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે અમદાવાદના ડીસીપીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આટલેથી અટકવાના બદલે પોલીસ કમિશ્નર  આશીષ ભાટીયા સ્ટેડીયમની તમામ વ્યવસ્થાનું ફરીથી જાત નિરિક્ષણ કર્યુ હતું.

અત્રે એ યાદ રહે કે સીએએ અને એનઆરસી બીલના વિરોધમાં દેખાવો કરવાની કલીમ સીદીકી વિગેરેએ જાહેરાત કરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આદિવાસીઓના પ્રશ્ને રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરીપત્ર તથા આનુશાંગીક બાબતે દેખાવો કરવા સાથે વડાપ્રધાન સમક્ષ રજુઆત કરવાની કરેલી  જાહેરાતથી મામલો ગરમાયો છે. તેવા સંજોગોમાં મોરચા વિરોધી આ ટીમનું કાર્ય પણ ટ્રમ્પની મુલાકાત દરમિયાન ખુબ જ અગત્યનું બની રહેનાર છે.

સમગ્ર બંદોબસ્ત સ્કીમ દિલ્હીથી પીએમઓ અને સુરક્ષા સલાહકાર અજીત ડાભોલના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. ભુતકાળમાં બોમ્બ ધડાકાઓની તપાસ કરવા સાથે સીમીના સ્લીપર સેલના  આતંકવાદીઓને ઝડપી પાડનાર અમદાવાદ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાના સુચનથી સ્ટેડીયમ તરફ જતા ગટરના પાણીની પણ ચકાસણી મ્યુનીસીપલ કોર્પોરેશન મારફત કરવા સાથે બોમ્બ સ્કવોડ દ્વારા પણ ચકાસણી ચાલી રહી છે. આ કાર્યમાં ૭ જેટલી ટીમો સામેલ થઇ છે.

અત્રે યાદ રહે કે બે ડઝનથી વધુ સીનીયર-જુનીયર આઇપીએસ, ૬પ ડીવાયએસપી, ર૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ અને અધધ સંખ્યામાં પોલીસ સ્ટાફ જવાનો આ બંદોબસ્તમાં ખડેપગે રહયા છે. લાખો લોકોની ભીડ ધ્યાને લઇ અભિમન્યુના ૭ કોઠા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમેરીકન પ્રમુખની મુલાકાત દરમિયાન  ઝુંપડપટ્ટીઓ આડે દિવાલો કરવી, મચ્છરોથી બચાવવા ફોગીંગ મશીનનો ઉપયોગ કરવા સાથે શ્વાનોને પકડી-પકડી અન્ય સોસાયટીમાં  મુકી આપવા સુધીની તૈયારીઓ કરી છે.

(12:28 pm IST)