Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ : પાસ લેવા પ્રધાનો અને બાબુઓની પડાપડી

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના પાસ માટે તમામ ટોપના લોકોના પ્રયાસ : મોટેરા સ્ટેડિયમમાં આયોજિત સૌથી ભવ્ય કાર્યક્રમને સફળ રીતે પાર પાડવા તંત્ર સામે પડકાર : સ્ટેડિયમમાં ૩૦ હજાર બસ અને ૨૦૦૦ ખાનગી વાહનો

અમદાવાદ, તા.૧૯ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચનાર છે સાથે સાથે અન્ય કાર્યક્રમો છે. આને ધ્યાનમાં લઈને અભૂતપૂર્વ આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી પાસ લેવા માટે મંત્રી અને અધિકારીઓમાં પડાપડી થઈ રહી છે. ઈવેન્ટના પાસ લેવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય કંટ્રોલ બોર્ડ દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની ઈમેજ જારી કરી દીધી છે. બીસીસીઆઈ દ્વારા તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ૭૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મોટેરાની ઈમેજ જારી કરી છે. બીજી બાજુ આ કાર્યક્રમને લઈને અધિકારીઓ અને મંત્રીઓ તથા બાબુઓમાં પડાપડી થઈ રહી છે. ગુજરાત સચિવાલયના ટોપ અધિકારીઓની પાસે હાલમાં મંત્રીઓ અને અધિકારીઓની અવર જવર આશ્ચર્યજનક રીતે વધી ગઈ છે.

            આ તમામ અધિકારીઓ ચક્કર લગાવી રહ્યા છે. જેમને મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન કાર્યક્રમની આયોજન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી અને ટ્રમ્પની સાથે આ કાર્યક્રમમાં સામેલ થવા તમામ લોકો ઈચ્છુક છે. ગુજરાત સરકારના સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે આઈએએ અધિકારીઓની પાસે વરિષ્ઠ મંત્રીઓના કોલ આવી રહ્યા છે. પોતાના પરિવાર, સગા સંબંધીઓ અને મંત્રીઓ માટે તેમ મિત્રો માટે ગેટ પાસ માંગવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણી સરકારના એક પ્રધાને માહિતી આપતા કહ્યું છે કે પારિવારિક સભ્યો, મિત્રો, ધારાસભ્યો, સાંસદ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત થનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી પાસ સતત માંગી રહ્યા છે. આ કાર્યક્રમને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પાસ માટે કોઈની પણ પાસે જવામાં આવે તો કોઈ બાબત ખુલી રહી નથી.

કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિ પણ વીઆઈપી પાસ માંગી રહ્યા છે. હાલમાં તેમને ઈન્તજાર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. મંત્રીએ માહિતી આપતા કહ્યું છે કે સરકાર અને સંગઠનમાં સામેલ ભાજપ નેતાઓને લાગી રહ્યું છે કે સમર્થકોને પાસ આપીને તેમના દિલ જીતવાના મોકા રહેલા છે. મંત્રીના કહેવા મુજબ આટલા મોટા આયોજનની તૈયારીમાં એન્ટ્રી પાસ મળવાની બાબત પણ મુશ્કેલરૂપ બની રહી છે. મંત્રીઓ માટે અધિકારીઓ પાસેથી એન્ટ્રી પાસ માંગવાની બાબત શરમજનક સ્થિતિ ઉભી કરે છે.

            આવા મોટા કાર્યક્રમોમાં મંત્રીઓ અને વરિષ્ઠ પાર્ટી નેતાઓનએ યોગ્ય મહત્વ મળે છે. મોદી-ટ્રમ્પના ઈવેન્ટ પાસ મેળવવા માટે મંત્રીઓ અને બાબુઓમાં પડાપડી થઈ રહી છે. આગામી દિવસોમાં આયોજનને લઈને ચિત્ર વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટના આયોજનમાં સામેલ થયેલા અધિકારીઓએ કહ્યું છે કે સૌથી મોટો પડકાર મોટેરા સ્ટેડિયમમાં લોકોની સાનુકુળ એન્ટ્રી અને એક્ઝિટ માટેનો છે. આશરે ૩૦ હજાર બસ અને ૨૦૦૦થી વધુ વાહનો સ્ટેડિયમ પહોંચનાર છે. અલબત્ત પાર્કિંગને લઈને વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી ચુકી છે. સ્ટેડિયમના પાર્કિંગ લોટમાં હજારો વાહનોની એન્ટ્રી થનાર છે. ટ્રાફિકની કોઈ તકલીફ ન થાય તે માટે પણ આયોજન થઈ રહ્યા છે. વિસત ચાર રસ્તાથી સ્ટેડિયમને જોડતા રસ્તા પર કોઈ અંધાધૂંધી ન થાય તે માટે આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગરથી સ્ટેડિયમ રોડ સુધી જોરદાર આયોજન કરાયું છે.

(8:49 pm IST)