Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે : બે દિવસ બાદ ફરી ગાત્રો થિજવતી ઠંડીનો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :ગુજરાતભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહી પ્રમાણે આગામી 24-48 કલાક તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આજે અમદાવાદનું તાપમાન 13. 4 ડિગ્રી નોંધાયું છે

   પશ્ચિમી વિક્ષોભનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, આગામી સમયમાં નલિયામાં પણ તાપમાન ઘટી શકે છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. એટલે કે ગુજરાતીઓએ ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપણા તૈયાર રાખવા પડશે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડીનો હવામાન વિભાગે વરતારો કર્યો છે.

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

(7:27 pm IST)