Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સુરેન્‍દ્રનગરમાં ૨૩-૨૪ જાન્‍યુઆરીએ ગુજરાત ભાજપની કારોબારી બેઠક

મિશન ૨૦૨૪ને લઇને અત્‍યારથી તૈયારીઓ : CM અને પ્રદેશ પ્રમુખ સહીત ૬૦૦ ભાજપના નેતા શહેરના મહેમાન બનશે

નવી દિલ્‍હી,તા. ૧૯: દિલ્‍હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં હવે ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાનાર છે. જોકે આ વખતે સૌપ્રથમમાં ભાજપ પ્રદેશની કારોબારી બેઠક સુરેન્‍દ્રનગરમાં યોજાનાર છે. વિગતો મુજબ આગામી ૨૩ અને ૨૪ જાન્‍યુઆરીએ બે દિવસીય બેઠક મળશે. આ બેઠકમાં મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના ૬૦૦ જેટલા નેતા સુરેન્‍દ્રનગરના મહેમાન બનશે. જોકે હાલમાં આ બેઠકને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બે દિવસ ચાલ્‍યા બાદ ગઇકાલે જ પૂર્ણ થઈ છે. જે બાદમાં હવે ગુજરાત પ્રદેશની બે દિવસીય કારોબારી બેઠક સુરેન્‍દ્રનગમાં ૨૩ અને ૨૪ જાન્‍યુઆરીએ યોજાનાર છે. જેમાં પીએમ મોદીએ નેશનલ લેવલે જે વિજય મંત્ર આપ્‍યો છે એ જ મંત્ર છેક નીચે સુધી એટલે કે એક-એક કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવશે.

રાષ્ટ્રીય કારોબારી બાદ હવે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આવનાર દિવસોએ મળી રહી છે. સુરેન્‍દ્રનગરમાં ભાજપ અધ્‍યક્ષ સી આર પાટીલની અધ્‍યક્ષતામાં કારોબારી બેઠક મળશે. જેમઆ રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્‍તાવને સમર્થન આપવામાં આવશે. આ સાથે ગુજરાતની ભવ્‍ય જીત માટે પીએમ મોદીનો આભાર માનવામાં આવશે. આ સાથે પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્‍તાવ પાસ થશે. મહત્‍વનું છે કે, આ બેઠકમાં મિશન ૨૦૨૪ માટેના રોડ મેપ અંગે પણ ચર્ચા થશે.

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સૌપ્રથમ વાર સુરેન્‍દ્રનગરમાં યોજાનાર છે. જેમાં રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ, સંગઠનના હોદ્દેદારો સહિત ૬૦૦ થી વધુ નેતાઓ ઉપસ્‍થિત રહેશે. આ તરફ સુરેન્‍દ્રનગરમાં પણ હવે પ્રદેશ કારોબારીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે  પીએમ મોદીએ પાર્ટીને સંબોધિત કરી હતી. પીએમે ભાજપના નેતાઓને સલાહ આપતા કહ્યું- ‘મુસ્‍લિમ સમાજ વિશે ખોટા નિવેદનો ન આપો. મોદીએ કહ્યું હતું કે, ભારતના જીવનનો શ્રેષ્ઠ સમયગાળો આવી રહ્યો છે. આવી સ્‍થિતિમાં, સખત મહેનતમાં પાછળ ન રહો. તમારાથી બનતો પ્રયત્‍ન કરો. જુદી જુદી જગ્‍યાએ જઈને લોકોને મળો. રાષ્ટ્રવાદની જયોત બધે જ પ્રગટાવવી જોઈએ.

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે પૂરી તાકાત સાથે ચૂંટણીમાં સામેલ થવું જોઈએ. આપણે સખત મહેનતમાં પીછેહઠ કરવાની જરૂર નથી. મોદીએ કહ્યું કે ભાજપ હવે માત્ર રાજકીય આંદોલન નથી રહ્યું. તેને એક સામાજિક ચળવળમાં બદલવું જોઈએ. તેમણે ભાજપના મોરચાઓનો કાર્યક્રમ માંગ્‍યો હતો. પીએમે કહ્યું કે અમૃત કાલને ડ્‍યૂટી પીરિયડમાં ફેરવવી પડશે. હવે આપણે સામાજિક રીતે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.

પીએમ મોદીએ ભાજપ કાર્યકરો અને નેતાઓને કહ્યું કે સરહદની નજીકના ગામમાં સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. સખત મહેનતમાં પીછેહઠ ન કરો. ચૂંટણીમાં ૪૦૦ દિવસ બાકી છે. સંપૂર્ણ બળ સાથે વ્‍યસ્‍ત રહો. પીએમ મોદીએ સરહદી રાજયમાં સરહદ નજીકના ગામમાં સંગઠનને મજબૂત કરવા અને નવા કાર્યકરો માટે બૂથને મજબૂત બનાવવાના નિર્દેશો આપ્‍યા હતા.

(11:03 am IST)