Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વિદ્યાર્થીઓ મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરે : રાજયપાલ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 10માં દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલનું ઉદબોધન

અમદાવાદ : વિદ્યાર્થીઓ દીક્ષાંતે મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરે. ટેકનોલોજીના વર્તમાન સમયમાં સમાજને કૌશલ્યવાન યુવાધનની પ્રતિક્ષા છે ત્યારે ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરાના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણની સજ્જતાના સમન્વયથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકશે.રાજ્યપાલે ગુજરાતના સાર્વત્રિક વિકાસની નોંધ લઇ જણાવ્યુ હતુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અવિરત માર્ગદર્શન અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે દેશભરમાં વિકાસનું આગવું મોડેલ બની રહ્યુ છે, ત્યારે કૌશલ્યવાન યુવાધન ગુજરાતની આ વિકાસયાત્રામાં નવું જોમ પૂરું પાડશે. દયા, કરૂણા, સહિષ્ણુતા અને ભલાઇના માર્ગ પર ચાલીને રાષ્ટ્રકલ્યાણના લક્ષને સિદ્ધ કરવા રાજ્યપાલે યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાનસંપદાને સતત સમૃદ્ધ બનાવવા આહ્વાન પણ કર્યુ હતુ.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 10માં દિક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી જણાવ્યું કે, એક સમયે ગુજરાતના યુવાનને મેડીકલ અને એન્જિનિયરીંગના અભ્યાસ માટે ડોનેશન આપી રાજ્યની બહાર ભણવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ‘ગુજરાતની સ્થાપના બાદ 35 વર્ષો સુધી રાજ્યમાં માત્ર 7 યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને 77 સેકટર સ્પેસિફીક યુનિવર્સિટીઓ થઇ છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, પાછલા બે-અઢી દાયકામાં ભાજપ સરકારે ગુજરાતમાં ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું છે. ગુજરાતમાં 1995માં માત્ર 20 ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજો હતી જે આજે વધીને 242 થઈ છે. 2295 ડિગ્રી-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે 81586 થઈ છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં 1995માં માત્ર 9 ડિપ્લોમા-એન્જિનિયરિંગ કોલેજો હતી જે આજે વધીને 164 થઈ છે. 6020 ડિપ્લોમા-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે 75753 થઈ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, જી.ટી.યુ. માંથી શિક્ષિત વિદ્યાર્થીઓનું કૌશલ્ય રાષ્ટ્રનિર્માણમાં કામ આવશે. રાજ્યના યુવાનોને પુરતી તક મળે તે પ્રકારે રાજ્યમાં શિક્ષણ અને રોજગાર સર્જન માટે સરકાર સતત પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું.

જી.ટી.યુ.માં 900 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પાસ થયા છે. ગુજરાતમાં 10,000 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્ટડી ઇન ગુજરાત થકી વધુ વિદેશી વિધાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી રહેવાનું સૂચન કરતા કહ્યું કે, આવનારો સમય ગુજરાતનો છે, ત્યારે રાજ્યના યુવાનો નવા પડકારોને ઝીલી નવા વિચારો સાથે સજ્જ બને. યુવાનોને પેટન્ટથી પ્રોડક્શન, ઈમેજીનેશનથી ઇનોવેશન યાત્રા કરી જોબ સિકરમાંથી જોબ ગિવર બને તેવું આહવાન તેમણે કર્યું હતું. વિકાસના માર્ગે ગતિમાન ગુજરાતમાં હર ક્ષેત્રે કુશળ અને નોલેજવાળા યુવાધનની જરૂર છે. સરકાર આ માટે સ્પીડ, સ્કેલ અને સેન્સિટિવિટીથી કામ કરી રહી છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જી.ટી.યુ. કેમ્પસમાં નિદર્શિત સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટ-અપ રાજ્યના યુવાનોનું શક્તિ-સામર્થ્ય દર્શાવે છે. તેમણે કહ્યું કે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન સેન્ટર હાલ રાજ્યની 30 યુનિવર્સિટીમાં કાર્યરત છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રાજ્યની તમામ 77 યુનિવર્સિટીમાં આ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન સેન્ટર કાર્યરત થઈ જશે.

તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે એપ્રિલ મહિનામાં હેકાથોન યોજવામાં આવે છે. કેન્દ્રીય હેકાથોન પહેલા રાજ્ય સ્તરે યુનિવર્સિટીઓ વચ્ચે હેકાથોન સ્પર્ધા યોજી યુવાનોને વધુ સક્ષમ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

10માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના 1,06,511 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 132 વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા 51 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે બ્રુક એન્ડ બ્લૂમ્સ સ્ટાર્ટઅપના યશ ભટ્ટને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપકર્તા માટેનો આ વર્ષનો ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવ્યા છે. જેમણે મંદિરમાં ચઢાવેલાં ફૂલો અને પૂજાપામાંથી હાઈક્વૉલિટીનું ખાતર, ગુલાબજળ, અગરબત્તી અને અન્ય ગીફ્ટ બાઉલ બનાવીને વેસ્ટ મેનેજમેન્ટ અને એમ્પલોઈમેન્ટ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પી.એચ.ડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં અને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરાઈ હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ, બોર્ડ ઓફ ગવર્નંન્સના સભ્યો, અદ્યાપકો, દીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સોશિયલ ડિસ્ટન્સીગ સહિતના કોવિડ-19ના પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(9:36 am IST)
  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મિનિસ્ટર દેબાશ્રી ચૌધરીના રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો ઉપર પથ્થરમારો : ભાગદોડ અને તનાવ વચ્ચે ચૂંટણી વાતાવરણ ગરમાયુ : હુમલાખોરો ના હાથમાં ટીએમસીના ધ્વજ હોવાનો આક્ષેપ access_time 6:49 pm IST