Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ડીસા જીઆઈડીસી નજીક ઝેરી પદાર્થ આરોગતા બે ગાયોના મોત: અરેરાટી

ઝેરી કચરો ફેંકતા ફેક્ટરી માલિકો સામે પગલાં લેવા જીવદયા પ્રેમીઓની માંગણી

 

ડીસાના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ખુલી જગ્યાની આસપાસ મોટા ભાગની ફેકટરીઓનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે. જે ઝેરી કચરો અહીં આસપાસ ફરતી અનેક ગાયો આરોગી જાય છે. જેથી ગાયોના જીવ જોખમાય છે. શનિવારે આવો ઝેરી કચરો આરોગી જતા બે ગાયોના તરફડીને મોત નિપજ્યા હતા. જ્યારે એક ગાય ગંભીર રીતે બીમાર પડતા તેને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

  મામલે બાજુમાં ખેતર ધરાવતા સુરેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે અહીં અવાર નવાર આસ પાસમાં આવેલ જીઆઈડીસી વિસ્તારના ફેકટરી માલિકો દ્વારા અહીં ઝેરી કચરો નાખી દેવામાં આવે છે. જેને ગાયો આરોગતા તેઓ મૃત્યુ પામી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ઘટતાં પગલાં ભરાય તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ પણ ઉઠવા પામી છે.

(11:59 pm IST)