Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગુજરાતના શહેરોમાં પ્રોપર્ટી કાર્ડને પ્રાથમિકતા અપાશે

પ્રજાલક્ષી બાબતોમાં જમીનની ફાળવણી અંગેના પ્રશ્નોનો નિકાલ પણ સંવેદના સાથે કરોઃ કૌશિક પટેલ

અમદાવાદ તા. ૧૯ : રાજય વિધાનસભાની ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી નવી રાજય સરકારના નવ-નિયુકત મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગુરુવારે રાજયના તમામ કલેકટરોની કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે શહેરીકરણના વધતાં વ્યાપમાં શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડને પ્રાથમિકતા આપવાની તમામ કલેકટરોને તાકીદ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હવે પછી તમામ કલેકટરોએ આ કામગીરીને અગ્રતા આપવાની રહેશે અને તેઓ ચોક્કસ સમય-મર્યાદામાં મહેસુલ વિભાગના સચિવ સાથે બેસીને આ કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરે.

આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, આપણે રાજયના સેવક છીએ ત્યારે આપણી વિશેષ જવાબદારી છે. આ તબક્કે ઈ-ધરા કેન્દ્રોમાં વેચાણ, વારસાઈ કે મહેસુલી હુકમોની નોંધો પાડવામાં અને પ્રમાણિત કરવાની કામગીરી સામે પ્રજાને ફરિયાદને અવકાશ ન રહે તેવી કામગીરી દરેક કલેકટરો દ્વારા થવી જોઈએ. એવી જ રીતે મહેસુલ વિભાગ કક્ષાએ તુમાર (ફાઈલોનો ભરાવો) નિકાલ માટે ઝૂંબેશ હાથ ધરવા, દરેક જિલ્લા કક્ષાએ પણ તેનું આયોજન કરવા દરકે કલેકટરોને તેમણે સૂચના આપી હતી.

એવી જ રીતે જાહેર પ્રજાને સ્પર્શતા સીધો પ્રશ્નો, જેવા કે, રોડ-રસ્તા, જાહેર આરોગ્ય, શિક્ષણ માટે જમીનની ફાળવણીની વિનંતીઓ, અરજીઓનો પણ સંવેદના સાથે નિકાલ કરાય તે માટે પણ તેમણે કલેકટરોને શીખ આપી હતી. સાામન્ય રીતે દર ૩૦ વર્ષે જમીનોનો સરવે કે માપણી કરવાની કાયદામાં જોગવાઈ છે.

આમછતાં ગુજરાત રાજયની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી કદાચ પ્રથમવાર રાજય સરકારે આધુનિક ઉપકરણોની મદદથી માપણી શરુ કરી છે.જેમાં નાની-મોટી ક્ષતિઓ કે ભૂલો થવાની સંભવના તો છે પરંતુ આ માટે પ્રજામાંથી આવતાં વાંધોઓનો સંતોષજનક રીતે નિકાલ થવો જોઈએ, આ માટે પણ તેમણે કલેકટરોને તાકીદ કરી હતી. અંતમાં તેમણે દરેક કલેકટરોને પ્રજાની સેવા માટે કરવાપાત્ર અન્ય સુધારા કે સિસ્ટમાં કરવાપાત્ર સુધારા સૂચવવા માટે પણ વિનંતી કરી હતી.

(3:27 pm IST)