Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દારૂનો જથ્થો તથા કોર્ટ નક્કી કરવા માટેના જાહેરનામામાં ભારે વિસંગતતા ? ફોડ પાડવા માટે ગૃહ ખાતાને તાકીદનો પત્ર

રાજ્યભરના પોલીસ તંત્રને મુંઝવતા પ્રશ્ન અંગે સિનીયર આઈપીએસ અધિકારીએ અંતે પડઘો પાડયો

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર જ રહેતો હોવાનો અને કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતના અન્ય રાજ્યોની સરહદો મારફત ઘુસી રહ્યાની વ્યાપક ફરીયાદો અને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓના આંદોલનને પગલે રાજ્ય સરકારે ગુજરાત પ્રોહીબીશન એકટ ૧૯૪૯માં કેટલાક સુધારાઓ તો કર્યા પરંતુ આ સુધારામાં અર્થાત સરકારી જાહેરનામાઓમાં પુરતી સ્પષ્ટતા ન હોવાથી ભારે વિસંગતતા સર્જાતા રાજ્ય પોલીસ તંત્ર કેટલા લીટર દારૂનો જથ્થો બોટલો હોય ત્યારે કઈ રીતે નક્કી કરવો ? તથા ચોક્કસ કોર્ટમાં કેસો ચલાવવા સક્ષમતા ન હોવાથી ચોક્કસ કઈ કોર્ટમાં કાર્યવાહી કરવી ? તે બાબતે સર્જાયેલી સમસ્યાઓ અંગે એક સિનીયર કક્ષાના અનુભવી આઈપીએસ અધિકારીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને એક પત્ર પાઠવી કેટલીક સ્પષ્ટતાઓ કરવા માંગણી કર્યાનુ સૂત્રો જણાવી રહ્યા છે.

એ પત્રમાં કાયદાની કલમ ૬૫માં સુધારો કરવામાં આવ્યાનું જણાવી એક કલમમાં ૬૫(ઈ) અન્વયે ૧૦ વર્ષની કે તથા પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે. પત્રમાં તેઓએ એવુ જણાવ્યુ છે કે, નવી કલમ ૬૫ (એએ)નો ઉમેરો કરવામાં આવેલ છે. જે મુજબ સરકારે જાહેરનામાથી નિયત કરેલ જથ્થા કરતા ઓછા જથ્થામાં દારૂ પકડાય ત્યારે આ કલમ અનુસાર ગુન્હો નોંધવાનો રહેશે અને એ કલમ મુજબ ૩ વર્ષ સુધીની સજા અને દંડને પાત્ર હોવાનું પણ કહેવાયુ છે. બીજી તરફ સુધારા એકટની કલમ ૬૫ (એએ) એમા સ્પષ્ટપણે જણાવેલુ છે કે દારૂનો જથ્થો સરકારના ઓફિસર ગેઝેટ મુજબ ગણવાનો રહેશે.

એ સિનીયર કક્ષાના આઈપીએસ અને અનુભવી અધિકારી ગૃહ મંત્રાલયને જાહેરનામા સંદર્ભે એવુ જણાવ્યુ છે કે, એ જાહેરનામામાં જથ્થો નિયત કરાયેલો ન હોવાથી દારૂ અંગેના કેસો ચલાવવા અંગે મુશ્કેલી સર્જાશે. ૧૦ લીટર દારૂનું અર્થઘટન છે તે બરોબર પરંતુ દેશી દારૂના જથ્થાના બદલે ઈંગ્લીશ દારૂની બોટલો પકડાય ત્યારે કેટલી બોટલ હોય ? તો ૧૦ લીટર ગણવી ? તે બાબતે કોઈ ચોક્કસ સ્પષ્ટતા ન હોય તે બાબતે ફોડ પાડયેથી પોલીસ તંત્રને કઈ રીતે કઈ કલમ મુજબ કાર્યવાહી કરવી ? તેનુ ચોક્કસ માર્ગદર્શન મળી શકશે.

સૂત્રોના કથન મુજબ એ સિનીયર કક્ષાના આઈપીએસ અધિકારીએ ગૃહ ખાતાના અધિક મુખ્ય સચિવને પાઠવેલ પત્રમાં ક્રિ. પ્રો.કોડ કલમ ૨૮ તથા કલમ ૨૯ની જોગવાઈઓનો ઉલ્લેખ કરી એવુ દર્શાવેલ કે, આવા કેસો નામદાર હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ તથા મેજીસ્ટ્રેટ કોર્ટો ફરમાવી શકે તેવી સજા દર્શાવામાં આવી છે. જ્યારે તાજેતરમાં પ્રોહીબીશન કાયદામાં કરાયેલ સુધારા તથા ઉપરોકત કલમોની જોગવાઈઓ વંચાણે લેવામાં આવે તો તેમા કલમ ૬૫(ઈ) અન્વયે કેસોની ટ્રાયલ મેજીસ્ટ્રેટ કોર્ટ ચલાવી શકવા સક્ષમ ગણી શકાય નહી તો આવા કેસોની ટ્રાયલ કઈ કોર્ટમાં ચલાવવી? તે બાબતે પણ માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

(3:19 pm IST)