Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૧૯ ફેબ્રુઆરીથી બજેટ સત્રઃ પહેલા જ દિવસથી ધબધબાટીના એંધાણ

નવી સરકારની રચના પછી પ્રથમ સત્રઃ પ્રથમ દિવસે સ્પીકરની ચૂંટણી, રાજયપાલનું પ્રવચનઃ બીજા દિવસે ર૦મીએ બજેટ

ગાંધીનગર તા. ૧૯ :.. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા. ૧૯ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. બીજા દિવસે  તા. ર૦મીએ નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. પ્રથમ દિવસે સ્પીકરની ચૂંટણી અને રાજયપાલનું પ્રવચન થશે. ધારાસભાન ચૂંટણી પછી અને વિધાનસભા ભવનના નવીનીકરણ પછી પ્રથમ વખત સત્ર મળી રહ્યુ છે. કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉપસી છે. પ્રજાકીય વિવિધ પ્રશ્ને સરકારને ઘેરવાની  રણનીતિ તૈયાર થશે. વિપક્ષને પરેશ ધાનાણી જેવુ લડાયક નેતૃત્વ મળ્યુ છે. વર્ષા જૂના પ્રશ્નો અને નવા ઉમેરાતા પ્રશ્નોને લઇને સત્ર સંઘર્ષમય બની રહેશે. ગૃહમાં પહેલા જ દિવસથી ધબધબાટી બોલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

દરમિયાન કાયદો, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૪ મી વિધાનસભાનું પહેલું સત્ર આગામી તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ નવા જ સાજ સજેલા વિધાનસભા સંકુલમાં મળશે.

પ્રથમ સત્ર ર૮ માર્ચ સુધી એટલે કે એકંદરે ર૭ કામકાજના દિવસ દરમ્યાન મળશે. જે દરમ્યાન વિધાનસભાની ર૮ બેઠકો મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ શ્રીની ચૂંટણી  હાથ ધરાશે. ત્યારબાદ રાજયપાલ ગૃહને સંબોધન કરશે. તા. ર૦ મી ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રીશ્રી રાજયનું અંદાજપત્ર રજૂ કરશે.   આ ઉપરાંત  આ વખતે રાજયપાલશ્રીના સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ ઉપર ૩ દિવસ ચર્ચા થશે, પુરક માગણીઓ પર ર દિવસની ચર્ચા ૧ર દિવસ ચાલશે. આ સત્રની કામગીરી દરમ્યાન વિવિધ સરકારી વિધેયકો અને બીન સરકારી કામકાજ પણ હાથ ધરવામાં આવશે.

(7:45 pm IST)