Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

નર્મદા જિલ્લામાં સેવા રૂરલ અને યુનીસેફ દ્વારા કોવિડ હાઇજીન કીટ અને હેન્ડવોશ સ્ટેશન ખૂલ્લાં મૂકાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તેમાંથી બચવા સેવા રૂરલ –ઝઘડીયા અને યુનીસેફ ગાંધીનગરનાં સૌજન્યથી નર્મદા જિલ્લામાં રાજપીપળા સિવીલ હોસ્પિટલ, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડીયાપાડા અને સાગબારા ગવર્મેન્ટના સી.એચ.સી પર “હેન્ડવોશ સ્ટેશન” દરદીઓ અને સ્ટાફ માટે મુકવામાં આવ્યા છે. રાજપીપલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર ડૉ. કે.પી.પટેલના હસ્તે આ “હેન્ડવોશ સ્ટેશન” ને ખૂલ્લુ મુકાયું હતું.
 આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ સીવીલ સર્જન ડૉ. સંગીતાબેન પરીખ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત,આર.એમ.ઓ ડૉ. માજીગામકર, યુનીસેફના વોશ કન્સલ્ટન્ટ અરૂણભાઇ,સેવા રૂરલ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ અને ડૉ. શોભાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
 આ સાથે કોરોના વધુ કેસ ધરાવતા પ્રતાપનગર અને કરાંઠા વિસ્તારમાં કુલ ૬૮૮ “કોવિડ હાઇજીન કીટ” નું વિતરણ કરાયું. નર્મદા જિલ્લાના સરકારશ્રી PHC સબસેન્ટર પર ૨૦૨ જેટલી કીટ અપાઇ. જે આ જંગ સામે લડનાર ફ્રન્ટલાઇન વોરીયર્સ એવા આરોગ્ય કાર્યકરો માટે ઉપયોગી બનશે. હોસ્પિટલમાં આવનાર દરદીઓ અને સગાઓ આ “હેન્ડવોશ સ્ટેશન” નો ઉપયોગ કરી શકશે અને કોરોનાના ચેપ સામે રક્ષણ મેળવી શકશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત નર્મદા- રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:50 pm IST)