Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ગુજરાત ટ્રેડિશન-ઇનોવેશન-એમ્બીનેશન-ઇમેજીનેશનના સંયોજનથી ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યુ :મુખ્યમંત્રી રૂપાણી

ASSOCHAMના ફાઉન્ડેશન વીક ર૦ર૦માં ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ગાથા પ્રસ્તુત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાત ટ્રેડિશન-ઇનોવેશન-એમ્બીનેશન-ઇમેજીનેશનના સંયોજનથી ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યુ છે - મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ :ગુજરાતના વેપારીઓ-ઊદ્યમી લોકો દેશ દેશાવરમાં વસીને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  ત્યાં સદાકાળ ગુજરાતની ભાવનાથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ગાથાના સંવાહક બન્યા છે તેમ જણાવી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનએ ભારતને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે વિવિધ વસ્તુઓ અને સેવાઓની આયાત શક્ય તેટલી ઘટાડવાનો વિચાર વ્યક્ત કર્યો છે. ગુજરાત તે માટે યોગ્ય દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે
  આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે,  રાજ્યના નાગરિકોની ઝડપી ઉન્નતિ અને તકનીકી ક્ષમતાને કારણે ગુજરાતમાં ટ્રેડિશન ઇનોવેશન, એમ્બીશન અને ઇમેજીનેશનથી ભરેલી પ્રતિભાઓ છે. આ લાક્ષણિકતાઓને કારણે ગુજરાત આજે દેશની વિકાસયાત્રાના કેન્દ્રમાં છે. ગુજરાતીઓમાં નેતૃત્વકળા અને ઉદ્યોગસાહસિકતા રહેલી છે જે રાજ્યના વૈશ્વિક વિકાસનું ચાલકબળ બની છે.
  મુખ્યમંત્રીએ ASSOCHAMના ફાઉન્ડેશન વીક ર૦ર૦ અન્વયે આયોજિત વેબિનારમાં ‘‘ગુજરાત-ધ ગ્રોથ એન્જીન એન્ડ ઇટસ કોન્ટ્રીબ્યૂશન ટોવર્ડસ અચીવીંગ ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી ફોર ન્યૂ ઇન્ડિયા’’ વિષયક પ્રેરક સંબોધન કર્યુ હતું.  
  મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે. ભૂતકાળમાં આ દરિયાકાંઠો વેપારનું કેન્દ્ર રહ્યો છે. પાંચ હજાર વર્ષ જૂના લોથલ બંદરે ભારતને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે.
  તેમણે ઉમેર્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના વેપારીઓ માત્ર ઉત્પાદકો અને નિકાસકારોથી આગળ વધી અમેરિકા, યુરોપ, આફ્રિકા, ચીન અને ઔસ્ટ્રેલિયા જેવા વિશ્વના વિવિધ ભાગોમાં સફળ ધંધા-ઉદ્યોગ સ્થાપી ઉદ્યોગસાહસિકો બન્યા છે અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત સાકાર કર્યુ છે.
  ગુજરાત દેશના મોટા ઉત્પાદક એકમોનું કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ અને મેરિટાઇમ જેવા ઉદ્યોગોએ રાજ્યના વૈશ્વિક વિકાસને નવી ગતિ આપી છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ  જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧માં ગુજરાતનો જી.ડી.પી. ૦૧ લાખ કરોડ હતો, જે આજે વધીને રૂ. ૧૮.૯ લાખ કરોડ થયો છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના શહેરો તેમજ દૂરના ગામોમાં ઔદ્યોગિક વિકાસ પહોંચ્યો છે.
  જી.ડી.પી.માં વધારાની સાથે ગુજરાતની માથાદીઠ આવકમાં પણ ૧૦ ગણો વધારો થયો છે. જેણે અર્થવ્યવસ્થાના વિકાસને વેગ આપ્યો છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૨-૪ ટકાના દરે વિકસી છે ત્યારે ગુજરાતનો વિકાસ દર ૧૦ ટકા થી વધુ રહ્યો છે. ગયા વર્ષે તો ગુજરાતે તમામ રેકોર્ડ તોડીને ૧૩ ટકાનો વિકાસ દર સાધ્યો છે. એન.એસ.ઓ. સર્વેના રિપોર્ટ અનુસાર, સમગ્ર દેશમાં ગુજરાતનો ૪.૩% બેરોજગારી દર સૌથી ઓછો છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી યુ.એસ.એ., જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની અને સિંગાપોર જેવા દેશોના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે. દેશની કુલ એફ.ડી.આઈ.માં ગુજરાતનો હિસ્સો ૫૩% છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંની ૧૦૦ થી વધુ કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે.
  આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ છે જેમાં મોટા, મધ્યમ અને નાના પાયે ઉદ્યોગો સામેલ છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમ.એસ.એમ.ઇ.નો ફાળો પણ મહત્વનો છે. ગુજરાત સરકાર ફેસિલિટેશન ડેસ્ક દ્વારા ૩૫ લાખથી વધુ એમ.એસ.એમ.ઇ.ને તમામ જરૂરી સુવિધાઓ અને સહાય પૂરી પાડી રહી છે.
આજે ગુજરાત સર્વાંગી આર્થિક વિકાસનું મોડેલ બની ગયું છે. ગુજરાત ઓટોમોટિવ, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, સિરામિક્સ, રિન્યુએબલ ઉર્જા, મેરિટાઇમ અને શહેરી માળખા જેવા અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરની સાથે-સાથે વૈશ્વિક સ્તરે પણ અગ્રણી બની ઉભરી આવ્યું છે એવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
 વિજયભાઇ રૂપાણીએ વિવિધ પોલીસી અંગે વાત કરતા જણાવ્યું કે, નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦, ગુજરાતની વિન્ડ એન્ડ સોલર પાવર પોલિસી, આઇ.ટી. આઇ.ટી.ઇ.એસ અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસી, ટેક્સટાઇલ, એરોસ્પેસ અને ડિફેન્સ, ટૂરિઝમ પોલિસી સહિતની નીતિઓ દ્વારા અમે રોકાણકારોને વૈશ્વિક બજાર માટે સ્પર્ધાત્મક બનાવ્યા છે. કેન્દ્ર અને રાજ્યની નીતિઓ વચ્ચે સારા સંકલનને કારણે હવે રોકાણકારો ગુજરાતમાં વધુ વિશ્વસનીય રોકાણ માટે આવે છે.
  તેમણે જણાવ્યું કે, ૧૦ નવા ક્ષેત્રોમાં લાગુ થનારી કેન્દ્ર સરકારની પી.એલ.આઈ. યોજના આત્મનિર્ભર ભારતની મુહીમ આગળ ધપાવશે અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ માટે આકર્ષિત થશે. એટલું જ નહીં, ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ આત્મનિર્ભર ભારત અભિયાન અને અર્થવ્યવસ્થાને વેગ આપશે.
 વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ સરકાર ઇઝ-ઓફ-ડુઇંગ બિઝનેસની દિશામાં નક્કર કદમ ભરે છે.  તાજેતરમાં અમે ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે જે ઓછી ઉંચાઇ વાળા ભવનોના નિર્માણને ર૪ કલાકમાં જ મંજૂરી અપાશે.  
  તેમણે ઉમેયું કે, દેશનું એકમાત્ર એવું રાજ્ય ગુજરાત છે જે અન્ય રાજ્યોની તુલનામાં પાણી, ગેસ અને પાવર ગ્રીડની સુદ્રઢ માળખાગત સુવિધાઓ ધરાવે છે. ગુજરાતે રિન્યુએબલ ઉર્જાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેથી અન્ય રાજ્યોની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા પણ મદદરૂપ થઇ શકીયે.  
  વડાપ્રધાનએ તાજેતરમાં ખાવડામાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ ઉર્જા પાર્કનો શિલાન્યાસ કર્યો છે. જ્યાં 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. ૧.8 લાખ એકર વિસ્તારમાં ફેલાયેલો આ પાર્ક સિંગાપોર દેશ જેટલો મોટો છે, જ્યાં પવનચક્કી અને સોલાર પેનલ્સ એક સાથે વીજળી પેદા કરશે.
ગુજરાત 49 મોટા અને નાના બંદરોનો ગઢ છે. રાજ્યના બંદરો વિશ્વના 180 દેશો જેમ કે  આફ્રીકા, મધ્ય પૂર્વ એશિયા અને યુરોપ સુધી વ્યાપારીક પહોંચ પૂરી પાડે છે.
  ગુજરાતની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા દેશમાં સૌથી વધુ છે. ભારતની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 40% છે.
 ભૌગોલિક રીતે સંતુલિત ગુજરાત વિકાસ મોડલમાં વિશેષ આર્થિક ઝોન, ધોલેરા એસ.આઈ.આર., માંડલ બેચરાજી પી.સી.પી.આઇ.આર., અને ગિફ્ટસિટી જેવા એસ.આઈ.આર. સામેલ છે.  ગુજરાત દિલ્હી-મુંબઇ ઔદ્યોગિક કોરિડોર જેવા પ્રોજેક્ટ્સમાં પણ મહત્વપૂર્ણ હિસ્સેદાર છે. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ પરસ્પરના સહકાર્થી દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિકસાવી રહી છે.ગુજરાત ગ્લોબલ વ્યવસાય નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
સાથો સાથ રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું, શિક્ષણ સંસ્થાઓ, સારી પરિવહન પ્રણાલી અને વિશ્વ કક્ષાની આતિથ્ય સુવિધાઓ છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ વેબિનારમાં ASSOCHAMના પદાધિકારીઓ, સભ્યો તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા જી.આઇ.ડી.સી.ના મેનેજીંગ ડાયરેકટર  એમ. થેન્નારસન સહભાગી થયા હતા.

(9:35 pm IST)