Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

લોનથી મોબાઇલ લેનારાના ડોક્યુમેન્ટનાં દુરૂપયોગ કરી નકલી લોન ઉભી કરવાનું કૌભાંડ : ત્રણ ઝડપાયા

અમદાવાદમાં સાયબર ક્રાઈમને છેતરપિંડી અંગેની ફરિયાદ મળતા નકલી લોન કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ફરિયાદી નામે અજાણી વ્યક્તિઓએ બજાજ ફાઇનાન્સ અને IDFC બેન્કમાંથી લોન લીધી હોવાનું સામે આવ્યું. જોકે ફરિયાદીને લોન પાસ થઈ અને વસ્તુની ખરીદી થઈ ગઈ ત્યાં સુધી ખ્યાલ જ નહોતો અને  લોનના રુપિયાથી મોંઘાદાટ મોબાઇલ ખરીદાઈ ચૂક્યા છે

   જોકે સાયબર ક્રાઈમને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, જે જગ્યાએથી મોબાઈલ ખરીદાય છે તે કબીર સેલ્યુલર નામની મોબાઈલ શોપમાંથી ખરીદવામાં આવ્યા છે. ખરીદનાર વ્યક્તિઓની આખી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ.  જેમાં આરોપી કૌશલ ધોળકિયા જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કબીર સેલ્યુલર નામની મોબાઇલ દુકાન નોકરી કરતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ પૂછપરછ કરતા આ ષડયંત્રના અન્ય ત્રણ શખ્સોની ધરપકડ થઇ. જેમાં આરોપી રાહુલ પાંડે IDFC કેપિટલ ફર્સ્ટ બેંકમાં લોન પાસ કરાવવાનું કામ કરતો. જ્યારે અન્ય આરોપી નિશાન શાહ મોબાઈલ લે-વેચનું કામ જાણતો હોય લોકોને લોનથી મોબાઈલ અપાવતો. 

જ્યારે શૈલેષ દેસાઈ નામનો આરોપી મોબાઇલ લેવા આવતા ગ્રાહકોના અંગત ડોક્યુમેન્ટ લાવી આપવાનું કામ કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે, ગ્રાહક તરીકે પોતાના ત્યાં આવતા લોકોના ડોક્યુમેન્ટ અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના નામે લોન મેળવવા માંગતા વ્યક્તિઓના બનાવટી આઈડી પ્રૂફનો ઉપયોગ કરી મોંઘાદાટ મોબાઈલ ખરીદી અને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હતું. અત્યાર સુધીમાં 10થી વધુ મોબાઈલ ખરીદ વેચાણ લોનના બહાને થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સાઇબર ક્રાઇમ દ્વારા પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી 5 મોબાઇલ, લેપટોપ અને પ્રિન્ટર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. મનાઈ રહ્યુ છે કે તપાસ દરમિયાન વધુ કેટલાક ગ્રાહકો પાસેથી આવા ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન કરાવીને આ ગઠિયાઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવ્યો હોઈ શકે છે

(7:44 pm IST)