Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

વડોદરાના મકરપુરામાં નશાની હાલતમાં ગુમસુમ રહેતા પુત્રએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરનામકરપુરા ડેપો પાછળ જય જલારામ નગરમાં રહેતા વિરેન્દ્રસિંહ  નરેન્દ્રસિંહ ચૌહાણ ગત મોડીરાતે ઘરની બહાર નીકળી થોડેદૂર આવેલા લીમડાના ઝાડની નીચે એકલો  બેસી  રહ્યો હતો.તેના પિતા પાણી પીવા માટે ઉઠયા ત્યારે તેમણે પુત્રને ઘરમાં આવીને સૂઇ જવાનું કહ્યુ હતુ. પણ પુત્રએ એવો જવાબ આપ્યો હતો કે,મને હમણા ઉંઘ આવતી નથી મોડા સૂઇ જઇશ.જેથી તેના પિતા ઘરમાં જઇને સૂઇ ગયા હતા.વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પિતા ઉઠયા અને જોયુ તો પુત્ર ઘરમાં નહતો.તેમણ બહાર જઇને જોયુ તો પુત્ર રાત્રે જે ઝાડ નીચે બેઠો હતો.તે ઝાડ પર તેણે બ્લેન્કેટનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મરનાર યુવક પાસેથી કોઇ ચિઠ્ઠી મળી આવી નહતી.કે તેના  મોબાઇલ ફોનમાં પણ આપઘાતનો કોઇ મેસેજ નહતો.

વિરેન્દ્રના પિતાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે,મારા પુત્રને છેલ્લા દોઢ વર્ષથી માદક દ્રવ્યની લત લાગી ગઇ હતી.તેની લત છોડાવવા માટે અમે તેને બહુ સમજાવ્યો હતો.એને સાથે સાથે તેની દવા પણ ચાલુ કરી હતી.પરંતુ,નશાની અસર તેના મગજ પર એટલી હદે થઇ ગઇ હતી કે,તે ગૂમસૂમ રહેવા લાગ્યો હતો.અને કોઇની સાથે બહુ વાતચીત પણ કરતો નહતો.તેમને વેદના ઠાલવતા કહ્યુ હતુ કે,સરકારે માદક દ્રવ્યના કારોબારીઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવી જોઇએ.મે મારા વ્હાલસોયા પુત્રને ગુમાવ્યો છે પણ અન્ય કોઇને પોતાના સંતાનને ગુમાવવાનો વારો ના આવે તેવી મારી સરકારને વિનંતી છે.

(5:45 pm IST)