Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

લૉ ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી એક વર્ષથી વધુ સમય પેન્ડિંગ : મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો

અમદાવાદ : રાજ્યની મહિલા લૉ ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ 1 વર્ષથી વધુ સમય સુધી પેન્ડિંગ રહેતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.

 ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 21મી ડિસેમ્બરના રોજ ધરાય તેવી શકયતા છે. હાઈકોર્ટમાં શિવી અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેની એનરોલમેન્ટ અરજી 1 વર્ષથી વધુ સમય સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પેન્ડિંગ છે અને તેના લીધે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશનની પરીક્ષા પણ આપી શકી નથી. આ મામલે વધુ સુનાવણી 21મી ડિસેમ્બરના રોજ હાથ ધરાઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 2017ના ઠરાવ પ્રમાણે અરજીના 20 દિવસ સુધીના સમયગાળામાં પ્રોવિઝનલ એનરોલમેન્ટ આપવા અંગે નિણર્ય લેવાનો હોય છે, જોકે તેના કેસમાં 1 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યું છે. મહિલા અરજદારની અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ 29મી જૂન 2019થી પેન્ડિંગ છે. આટલા લાંબા સમય સુધી એનરોલમેન્ટ અરજી પેન્ડિંગ રહેવી ગેરકાયદેસર છે.

3 ડિસેમ્બર 2020ના રોજ અરજદારને જણાવવા આવ્યું હતું કે તેનો એનરોલમેન્ટ રદ કરવામાં આવ્યો છે અને તેને આપયેલો એનરોલમેન્ટ નંબર અર્જુન ભટ્ટી નામના વ્યક્તિનો છે. BCGના આ લેટરને પણ રદ કરવાની કોર્ટમાં રજુઆત કરાઈ હતી

(11:28 pm IST)