Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

રાજ્યના વિકાસમાં સહકાર ક્ષેત્રનુ ઉપયોગી યોગદાન છે

મહેસાણા જિલ્લા સહકાર સપ્તાહ સંમેલન : વિના સહકાર નહીં ઉદ્ધારના ઉદ્દેશ્યની સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે : વેલ્ફેર ફંડમાં ૧૧ લાખનો ચેક અપાયો

અમદાવાદ,તા.૧૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વિના સહકાર નહિ ઉદ્ધાર ભાવનાથી જ રાજ્યનો વિકાસ થઇ રહ્યો છે. સહકારના મુળમાં વિશ્વાસ રહેલો છે. સહકારી પ્રવૃતિઓના પાયાના કાર્યકરોના આ વિશ્વાસ અને પરિશ્રમ થકી સહકારી માળખાનો વિકાસ થયો છે. મુખ્યમંત્રી મહેસાણા દૂધસાગર ડેરીમાં સહકાર ભારતી આયોજિત સહકાર સપ્તાહ અને સ્નેહ મિલન અવસરે સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સહકાર ભારતીના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું કે, સહકારી પ્રવૃતિ સૌના સાથ સૌના વિકાસને સાકાર કરે છે. છેવાડાના માનવી ગ્રામીણ ગરીબ વંચીત સુધી વિકાસના ફળો પહોંચાડવામાં સહકાર ક્ષેત્ર મહત્વનું બન્યું છે. અમુલ, બનાસ, દુધસાગર જેવી માઇલસ્ટોન સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓથી સહકાર ક્ષેત્રને વેગ મળ્યો છે. સહકારના માળખામાં પ્રમાણિકતા, મુલ્યનિષ્ઠતા રહેલી છે. મહેસાણા જિલ્લો સહકારી ક્ષેત્રે અગ્રણી જિલ્લો છે અને આ જિલ્લાએ અનેક સહકારી નેતાઓ આપ્યા છે તેમ પણ ઉમેર્યું હતું. સહકારી પ્રવૃતિઓ થકી શ્રેષ્ઠ ગુજરાતના નિર્માણ માટે આગળ આવવા સહકારી અગ્રણીઓને તેમણે અપીલ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, સહકાર રાજ્યના વિકાસ માટે મહત્વનું પરિબળ છે. સહકારી પ્રવૃતિઓ થકી સમાજલક્ષી પ્રવૃતિઓ થઇ રહી છે. રાજ્ય સરકાર સતત ખેડુતોની ચિંતા કરી રહી છે. રાજ્ય સરકારે ૪૦૦ મિમિ વરસાદવાળા તાલુકાઓમાં વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ સરકારે ખેડૂતોના હિતમાં રાજ્યની સ્થાપના બાદ સૌથી મોટી જાહેરાત કરેલ છે. જેમાં હેકટર દીઠ ધારાધોરણ મુજબ ૬૩૦૦, ૫૮૦૦ અને ૫૩૦૦ રૂપિયાનું પેકેજ જાહેર કરેલ છે. મહેસાણા જિલ્લામાં કડી, મહેસાણા, બેચરાજી, વડનગર અને વિજાપુર તાલુકાને પસંદ કરાયા છે. મહેસાણા જિલ્લામાં ૮૪,૯૩૯ જેટલા ખાતેદારોને લાભ મળવાનો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોને ૨ રૂપિયે કિલો ઘાસ અપાય છે જે રાજ્ય સરકારને ૧૨ થી ૧૪ રૂપિયે પડે છે. ખેડુતોને ૧૦ કલાક વીજળી આપી જેમાં રાજ્ય સરકાર ૮૦૦ કરોડની સબસડી ખેડુતોને આપી રહી છે. આ રકમ ખેડુતો વતી સરકાર વીજકંપનીને આપે છે. સહકાર સપ્તાહ સહકારી પ્રવૃતિઓનું એક પવિત્ર પર્વ છે. આંતરાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા આ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. સહકાર સપ્તાહમાં સહકારી પ્રવૃતિઓની સિદ્ધિ, સમસ્યાઓ અને ઉકેલ વિગેરેની સમીક્ષા કરી ભાવિ વિકાસ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સહકાર સપ્તાહ દ્વારા સહકારી સિદ્ધાંતો, મૂલ્યોને વિશેષ જાણકારી આપી સભાસદોને માર્ગદર્શીત કરવામાં આવે છે. દર વર્ષે ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં આયોજીત સહકાર સપ્તાહમાં ૧૧ લાખનો ચેક દેશના સેનાના જવાનોના કલ્યાણ માટે આર્મી વેલ્ફેર ફંડમાં મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ સભાસદોના ૧૮ વારસદારોને કુલ ૧૮ લાખના ચેક વારસદાર દીઠ ૧ લાખ પ્રમાણે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

(9:28 pm IST)