Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

છેતરપિંડી કેસ : ભોગ બનેલા વધુ ઘણા ફરિયાદી સપાટીએ

પાસપોર્ટ એન્ટ્રીના આધારે લોકેશનના પ્રયાસો : કાંડમાં વિનય શાહ સાથે ઓડિયો કલીપમાં ખુલ્લા પડેલા સુરેન્દ્ર રાજપૂત તેમજ સ્વપ્નીલ રાજપૂતની ધરપકડ દબાણ

અમદાવાદ, તા.૧૮ : જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓની લાલચ આપી ભેજાબાજ વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ દ્વારા નિર્દોષ લોકોના રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે હવે બંને આરોપીઓની પાસપોર્ટ એન્ટ્રીના આધારે લોકેશન મેળવવાના પ્રયાસો આદર્યા છે.  પોલીસને છેલ્લે તેનું લોકેશન નેપાળ મળ્યું હતું. આજે પોલીસે વિનય અને તેની પત્નીના પાસપોર્ટની ડીટેઇલ ઇમિગ્રેશન વિભાગને મોકલીને તેના પાસપોર્ટ પર ક્યાં ક્યાં એન્ટ્રી થઇ છે, તેમજ કઇ જગ્યાના વિઝા મળ્યા છે તે વિગતો મેળવવા માટે એક પત્ર લખ્યો છે. જેને પગલે ટૂંક સમયમાં જ વિનય શાહ અને તેની પત્નીના લોકેશન ટ્રેસ થવાની પોલીસને આશા છે તો બીજીબાજુ, આ સમગ્ર  કૌભાંડમાં વિનય શાહ સાથે ઓડિયો કલીપમાં ખુલ્લા પડેલા સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નીલ રાજપૂતની ધરપકડ માટે પોલીસ પર દબાણ વધી રહ્યું છે. આજે આ સમગ્ર કૌભાંડમાં વિનય શાહ દ્વારા છેતરાયેલા કેટલાક વધુ લોકો ફરિયાદી બનીને સામે આવ્યા હતા. ગુજરાતના મહાઠગ વિનય શાહ દ્વારા રાતા પાણીએ રડવાનો ભોગ બનેલા લોકો એક તરફ વિનય શાહ અને તેની પત્ની પકડાવાની રાહ જોઇ રહ્યા છે અને બસ પોલીસને એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, વિનય શાહ કયારે પકડાશે અને તેમને તેમના પૈસા કયારે પાછા મળશે ત્યારે બીજીબાજુ, હવે પોલીસ પર પણ તપાસને લઇ ચોતરફથી દબાણ વધી રહ્યું છે. સીઆઇડી ક્રાઇમના ઇકોનોમી સેલ દ્વારા આજે વિનયશાહ પ્રકરણમાં ઇમિગ્રેશન વિભાગને પત્ર લખીને તેના પાસપોર્ટ પર ક્યાંના વિઝા લાગ્યા છે, તે અંગેની વિગતો મેળવવાના ચક્રો ગતિમાન કરાયા હતા. વિનય શાહ અને તેની પત્ની કરોડો રુપિયાનો હિસાબ આપ્યા વિના વિદેશ ભાગી ગયા હોવાની પોલીસને આશંકા છે. આ કેસમાં દરરોજ વિનય શાહના મળતીયાઓ નવી નવી ઓડીયો ક્લિપ જાહેર કરી પોલીસ માટે પડકાર ઉભો કરી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના સુરેન્દ્ર રાજપુત અને તેના પુત્ર સ્વપ્નીલ રાજપુતની સૌથી વધુ ઓડીયો ક્લીપ ફરી રહી છે. આ ક્લિપ હવે પોલીસ એફએસએલ તપાસ માટે મોકલશે, તેમજ અવાજની ખરાઇ કરવવા માટે સ્વપ્નીલ રાજપુત અને સુરેન્દ્ર રાજપુતની વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાવી શકે છે. માત્ર એટલું જ નહીં, બે દિવસ પહેલા બહાર આવેલી એક ઓડીયો ક્લિપમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશશના પોલીસ કર્મચારીનું નામ પણ આવ્યું છે. જેથી હવે સીઆઇડી ક્રાઇમે તે દિશામાં પણ તપાસ કરવા માટેની તૈયારી કરી લીધી છે.પોલીસની તપાસમાં આજે વિનય શાહ અને તેની કંપનીના કેટલાક વધુ મળતીયા અને એજન્ટોના નામોનો પર્દાફાશ થયો છે, તેથી પોલીસ તેઓને પણ સંકજામાં લઇ વિનય શાહની આખી કુંડળી મેળવી લે તેવી પૂરી શકયતા છે.

(8:33 pm IST)