Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

ત્રીજી ડિસેમ્બરે અમદાવાદમાં રાજપૂત સમાજનું મહાસંમેલન

ફિલ્મને લઇ રાજપૂતો આંદોલન વધુ ઉગ્ર બનાવશે : ગુજરાત સહિત દેશમાંથી રાજપૂતો મહાસમંલેનમાં ભાગ લેવા આવે તેવી વકી : ૨૫- ૩૦ નવેમ્બર સુધી આંદોલન

અમદાવાદ,તા.૧૮ : પદ્માવતી ફિલ્મને લઇ રાજપૂત સમાજમાં ઉગ્ર આક્રોશ વધતો જાય છે, જેમ જેમ ફિલ્મની રિલીઝની ડેટ નજીક આવતી જાય છે તેમ તેમ રાજપૂત સમાજમાં આંદોલન ઉગ્ર બનતું જાય છે. ગુજરાત સહિત દેશભરમાં સંજય લીલા ભણશાલીની પદ્માવતી ફિલ્મ સામે વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. આજે ગૌરવ સ્વાભિમાન સભા દ્વારા રાજપૂત સમાજના અગ્રણી શેરસિંહ રાણાએ તા.૩જી ડિસેમ્બરે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે  રાજપૂત સમાજના મહાસંમેલનની જાહેરાત કરી હતી. પદ્માવતી ફિલ્મને લઇ યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાત સહિત દેશભરમાંથી રાજપૂત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટશે એવી આશા તેમણે વ્યકત કરી હતી. રાજપૂત સમાજના આગેવાના શેરસિંહ રાણાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સંજય લીલી ભણશાલીને ફિલ્મના વિરોધને લઇ બધી ખબર જ હતી કારણ કે, વિરોધ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી શરૂ થયો હતો. તો તેમણે અત્યારે દસ દિવસ પહેલાં જ કેમ ફિલ્મમાં કશું વાંધાજનક નથી તેવી સ્પષ્ટતા કરી. એક વર્ષ સુધી આ સ્પષ્ટતા કેમ ના કરી કે જે તે કરી શકયા હોત. વાસ્તવમાં સંજય લીલા ભણશાલીનો પોતાની પદ્માવતી ફિલ્મની પબ્લીસીટી માટેનો આ આયોજનપૂર્વકનો સ્ટંટ છે. પબ્લીસીટી મેળવવાના માત્ર આશયથી તેમણે જાણીબુઝીને આ કોન્ટ્રાવર્સી ઉભી કરી છે અને આમ કરી તેઓ પોતાની ફિલ્મને સુપરહીટ બનાવી કરોડો રૂપિયા કમાવી લેવા માંગે છે પરંતુ રાજપૂત સમાજ તેમની આ મેલી મુરાદ બર નહી આવવા દે. માતા પદ્માવતી કે જેમણે હિન્દુ સંસ્કૃતિ અને રાજપૂત સમાજના ગૌરવ અને સન્માન માટે ૧૬ હજાર મહિલાઓ સાથે ચિતોડગઢમાં ઇ.સ.૧૩૦૩માં જોહર(અગ્નિસ્નાન) કર્યું હતું એ મહાસતી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વિશે ઇતિહાસને તોડી મરોડી ભણશાલીએ ફિલ્માંકન કર્યું છે અને તેથી રાજપૂત સમાજ કોઇપણ સંજોગોમાં ફિલ્મને રિલીઝ નહી થવા દે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પદ્માવતી ફિલ્મના વિરોધમાં ગૌરવ સ્વાભિમાન સભા દ્વારા તા.૨૫મી નવેમ્બરે સુરત, તા.૨૬મીએ ધાનેરા, તા.૨૭મીએ આણંદ, તા.૨૮મીએ કાંકરેજ, તા.૨૯મીએ રાજકોટ અને તા.૩૦મીએ ભુજ ખાતે આંદોલન કાર્યક્રમો યોજાશે અને છેલ્લે તા.૩જી ડિસેમ્બરે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ મહાસંમેલન યોજાશે.

 

(8:34 pm IST)