Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

સોનગઢના સાદડકૂવાની 17 વર્ષીય તરૂણીના આપઘાતથી આઘાત પામેલા પિતાએ ઝેરી દવા ગટગટાવી

બારડોલી:તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડકુવા ગામની ૧૭ વર્ષની તરૃણીએ પ્રેમી સાથે ગયા બાદ પરત આવી આત્મહત્યા કરી લીધી હતી જથી આઘાત પામેલા પિતાએ પણ ઝેરી દવા પી લીધી હતી. ૧૫ દિવસની સારવાર બાદ પિતાનું મોત થતાં ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સાદડકુવા ગામે રહેતા લાલસીંગભાઇ રૃવાજીભાઇ ગામીતની ૧૭ વર્ષની પુત્રી સરીફાને ગાલખડી ગામના અર્પિત ગામીત સાથે પ્રેમસંબધ હતો. તા.૨૪.૧૦.૧૭ના રોજ સરીફા પ્રેમી અર્પિત સાથે ફરવા ગઇ હતી.

પાંચ દિવસ બાદ સરીફાને પિતા લાલસીંગભાઇ ઘરે લઇ આવ્યા હતા ઘરે આવેલી સરીફા બે દિવસ ગુમસુમ રહ્યા બાદ તા.૩૦.૧૦.૧૭ના રોજ ઘરમાં આડીયા લાકડા સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ત્યારે લાલસીંગભાઇ સોનગઢ ખાતે બજારમાં ગયા હતા. બનાવ અંગે લાલસીંગભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

પુત્રી સરીફાના મોતથી લાલસીંગભાઇને આઘાત લાગતા ૩ દિવસ બાદ તા.૪.૧૧.૧૭ ના રોજ પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગતરોજ લાલસીંગ ગામીતનું મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રીના મોતના ૧૫ દિવસમાં પિતાનું પણ મોત નીપજતા સાદડકુવા ગામે ગમગીની છવાઇ ગઇ હતી.

 

(5:18 pm IST)