Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ઉત્તરપ્રદેશમાં ચાંદખેડાની એક પરિણીતાની મળી આવેલ લાશ

સાસરી પક્ષ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો : પરિણીતાના ગર્ભમાં બાળક તેના પતિનું નહી, અન્ય કોઇનું હોવાની આશંકાએ હત્યાનું અનુમાન : પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ,તા.૧૮ : શહેરના ચાંદખેડામાં રહેતી એક સ્વરૂપવાન ગર્ભવતી પરિણીતાની રહસ્યમય રીતે લાશ ઉત્તરપ્રદેશના કમલાગંજ રેલવેટ્રેક પરથી મળી આવતાં પોલીસે સાસરી પક્ષ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પરિણીતાની તેના પતિ અને સસરાએ ટ્રેનમાં હત્યા કરીને તેની લાશને ફેંકી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિણીતાના ગર્ભમાં રહેલું બાળક તેના પતિનું નહીં, પરંતુ અન્ય કોઇનું હોવાની શંકા રાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે. ચાંદખેડા પોલીસે પણ ઉત્તરપ્રદેશની પોલીસની મદદ લઇ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલ ગુપ્તાના પીઠામાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના લાલસિંગ પ્યારેલાલ દિવાકરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જમાઇ અને તેના પરિવાર વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે વર્ષ ર૦૧૩માં લાલસિંગની પુત્રી ટીનાનાં લગ્ન રીતરિવાજ પ્રમાણે ચાંદખેડા વિસ્તારમાં આવેલ ઘંટાકર્ણ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી શંકર જયસિંગ માથુર સાથે થયાં હતાં. લગ્ન બાદ ટીનાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. લાલસિંગના આક્ષેપ પ્રમાણે લગ્નનાં ત્રણ વર્ષ સુધી ટીનાને સાસરીના તમામ લોકો સારી રીતે રાખતા હતા અને ત્યારબાદ માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું. બે મહિના પહેલાં ટીનાની લાશ ઉત્તરપ્રદેશમાં રેલવેટ્રેક પરથી મળી આવી હતી, જેમાં ગઇ કાલે લાલસિંગે તેના પતિ શંકર, સાસુ લીલાબહેન, સસરા જયસિંગ, નણંદ રિંકીબહેન અને જેઠ અવિનાશ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. તારીખ ર-૮-૧૮ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જયસિંગ, શંકર, ટીના અને તેની પુત્રી ઉત્તરપ્રદેશ ફારુકાબાદ જવા માટે સાબરમતી પ્લેટફોર્મ પરથી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને નીકળ્યા હતા. ટ્રેન પાલનપુર પહોંચી ત્યારે તમામ લોકો જમીને સૂઇ ગયા હતા. તારીખ ૩-૮-૧૮ના રોજ વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ મથુરા સ્ટેશન આવતાં જયસિંગ બાથરૂમ કરવા માટે ઊઠ્યા હતા, જ્યાં તેમણે જોયું કે ટીના તેની સીટ પર હતી નહીં. જયસિંગ અને શંકરે આજુબાજુમાં તપાસ કરતાં ટીના મળી આવી નહીં. ટીના નહીં મળી આવતાં શંકર અને જયસિંગ પોલીસ ફરિયાદ કર્યા વગર તેમના ઘરે જતા રહ્યા હતા. તારીખ પ-૮-૧૮ના રોજ જયસિંગે ટીના ગુમ થવાની તમામ હકીકત લાલસિંગને કરી હતી. લાલસિંગે અને તેમના પરિવારે ટીનાની તપાસ શરૂ કરી હતી ત્યારે તારીખ ૭-૮-૧૮ના રોજ જયસિંગે લાલસિંગને ફોન કર્યો હતો કે ટીનાને દિલ્હી છે. તે એક રિક્ષામાં બેસીને જતી હતી. જયસિંગની માહિતી સાચી માનીને લાલસિંગની પત્ની અને પુત્ર દિલ્હી પહોંચી ગયા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. ટીનાને સાત માસનો ગર્ભ હતો અને તે ભેદી રીતે ગુમ થતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવા જોગ ફરિયાદ કરી હતી. દરમિયાનમાં ઉત્તરપ્રદેશના કમલાગંજ વિસ્તારમાં આવેલ રેલવેટ્રેક પરથી ટીનાની લાશ મળી આવી હતી. તારીખ ૪-૮-૧૮ના રોજ ટીનાની લાશ રેલવેટ્રેક પરથી મળી આવી હતી, જેથી લાલસિંગને તેના પતિ અને સસરા વિરુદ્ધમાં શંકા ગઇ હતી. ટીનાના ગર્ભમાં રહેલું બાળક શંકરનું નહીં, પરંતુ બીજા અન્ય કોઇનું હોવાની શંકા રાખીને તેની સાથે અવારનવાર ઝઘડો કરવામાં આવતો હતો, જેના કારણે તેની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ ઊઠ્યા છે. ટીનાને ઉત્તરપ્રદેશમાં રહેવાનું છે તેવું આયોજન કરીને શંકર, જયસિંગ, લીલાબહેન અને રિંકીબહેન તેમજ અવિનાશે આખું આયોજન ઘડ્યું હતું. ટીનાની હત્યા કરવામાં પૂર્વ આયોજિત કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગઇકાલે ચાંદખેડા પોલીસે પાંચેય વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સસરા જયસિંગ ટીના પર નજર બગાડતા હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં થયો છે. ખરેખર રાતે ટ્રેનમાં શું બન્યું તે મામલે પોલીસે તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશની કમલાગંજ પોલીસે પણ ટીનાની રહસ્યમય હત્યા મામલે તપાસ શરૂ કરી છે. બનાવને પગલે શહેરમાં પણ ભારે ચકચાર મચી ગઇ છે.

(7:36 pm IST)