Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વડોદરામાં વૃદ્ધ દંપતીની રહસ્યમય હત્યામાં પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા:સંસ્કાર નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર અને તેનો પોશ એરિયા માંજલપુર. માંજલપુરની ધનાઢ્ય ગણાતી તિરુપતી સોસાયટીના એક બંગલામાંથી આમ તો બે-એક દિવસથી કોઈ જાનવર મરી ગયું હોય તેવી તીવ્ર દુર્ગંધ મારતી હતી, પણ તે દિવસે એટલે કે 13 ઓક્ટોબર, 2014ના રોજ દુર્ગંધ સહન ન થાય તેવી આવવા લાગી. કોઈ પાડોશીએ પોલીસમાં જાણ કરતા પોલીસ બપોર સુધીમાં આવી અને જોયું તો બંગલા બહાર મોટું ટોળું હતું. પાડોશીઓની હાજરીમાં પોલીસે બંગલાનું તાળું તોડીને મુખ્ય દરવાજો ખોલ્યો તો અંદરથી રીતસર ઊલટી કરાવી દે તેવી વાસ મારતી હતી. ઉપરના માળેથી વાસ આવતી હોઈ પોલીસ ત્યાં ગઈ અને જે જોયું તે ભલભલા કઠણ કાળજાના માનવીનું પણ કાળજું કંપાવી દે તેવું દૃશ્ય હતું. ઉપરના માળે બેડરૂમના પલંગ પર અને નીચે જમીન પર બે લાશ તદ્દન કહોવાયેલી અને ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં પડી હતી.

પાડોશીઓએ શારીરિક બાંધાના આધારે અંદાજો લગાવીને આ લાશ આ બંગલામાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી શ્રીહરિ પુરુષોત્તમ વિનોદ (63) અને તેમના પત્ની સ્નેહા વિનોદના (60) હોવાની ઓળખ કરી હતી. પાડોશીઓએ આપેલી વિગતના આધારે પોલીસે અગાઉ જ આ દંપતિની પુત્રીને બોલાવી રાખી હતી. અત્યંત અરેરાટી ઉપજાવે તેવી આ ઘટનાએ ઉપસ્થિત પાડોશીઓ, પોલીસ અધિકારીઓ અને પંચોના પણ રૂંવાડા ખડા કરી દીધા હતા પરંતુ આ દંપતિની માત્ર 15 વર્ષની છોકરી કે જે હજી તો ધો. 10માં ભણતી હતી તેની સ્થિરતા અને શાંતપણાને જોઈ પોલીસ ઈન્સ્પેક્ટર એન એમ ઘોડને વિચિત્ર અનુભૂતિ થઈ. આ છોકરીનું નામ હતું તન્વી અને પછી પીઆઈ ઘોડે શંકાના આધારે તન્વીની પૂછપરછ કરી. શરૂઆતમાં આનાકાની બાદ પોલીસે સહેજ કડકાઈ દાખવી અને તેણે જે સિલસિલાબંધ વિગતો કહી તે સાંભળીને સહુકોઈના હાંજા ગગડી ગયા અને બે ઘડી માટે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવા દૃશ્યો સર્જાયા હતા.

(5:55 pm IST)