Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ડીસા પોલીસે ચાલુ વાહનોમાં ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી વધુ તપાસ હાથ ધરી

ડીસા: હાઈવે પરથી ચાલુ વાહનમાં ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ડીસા તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ચોરાયેલ ચોખાના કટ્ટા ઉપરાંત ચોરીમાં વપરાયેલ વાહનો જપ્ત કરી તપાસ હાથ ધરી છે. આ ગુનામાં હજુ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે.

મળતી વિગતો મુજબ આશીકઅલી મુઝામ્મીલઅલી રાહી (મુસલમાન) રહે.ભવાનીપુર ખેરૃ, તા.શાહેશવાન, જિ.બદાઉ, ઉ.પ્ર.) ગત તા.૨૭ જુલાઈના રોજ ટેઈલર ટ્રકમાં ચોખાના કટ્ટા ભરીને ડીસા તાલુકાના કુચાવાડાથી ઝેરડા તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન રાત્રીના સમયે ચાલુ ટ્રકે ટેલરમાં ભરેલ ચોખાના કટ્ટામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રક ટેલર ઉપરની ટાટ પતરી કાપી રૃ.૫૪ હજારની કિંમતના ચોખાના કટ્ટા નંગ-૩૬ની ચોરી કરી હતી. જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જોકે ચોરીના ગુનામાં સંડોવાયેલ જાવેદશા બચલશા સાંઈ (રહે.ધાનેરા) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આથી પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી ચોરીમાં વપરાયેલ કમાન્ડર જીપ, અલ્ટો કાર, રૃ.૫૫૦૦ની કિંમતના ચોખાના કટ્ટા સાથે મુખ્ય સુત્રધાર જાવેદશા બચલશા સાંઈ (રહે.ધાનેરા), માલ ખરીદનાર પરષોતમભાઈ મશરાજી નાઈ (રહે.ધાનેરા), ગાડીનો ચાલક પિયુષ જગદીશબાઈ નાઈ (રહે.રૃણી, તા.ધાનેરા) અને વાહન માલિક અશોક વાઘાભાઈ ડાભી (રહે.રૃણી, તા.ધાનેરા)ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખસોને પકડવાના બાકી છે તેમ પીઆઈ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

(5:34 pm IST)