Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પીઆઇ ડી.બી.ગોહીલ-પીએસઆઇ રબારી અને ૪ પોલીસ જવાનો સહિત ૬ના લાઇ ડીટેકશન ટેસ્ટ કરવાનો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ વડોદરાના 'કસ્ટોડિયલ ડેથ' મામલામાં નવો વણાંક : સીઆઇડીની ભારે મથામણ થતા આરોપી પોલીસ અધિકારીઓ 'મ્હોં' ખોલતા ન હોવાથી એસપી ગિરીશ પંડયા ટીમ દ્વારા હાઇકોર્ટમાં રજુઆત

રાજકોટ, તા., ૧૮: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ મૂળ તેલંગાણાના બાબુ નિશાર શેખના કસ્ટોડિયલ ડેથના મામલામાં એક પોલીસ ઇન્સ્પેકટર, એક પીએસઆઇ સહીત ૬ આરોપીઓના લાઇડીટેકશન ટેસ્ટ તથા જરૂર જણાયે નાર્કો ટેસ્ટ સીઆઇડી દ્વારા કરવા માટે મંજુરી માગ્યાના અહેવાલથી રાજય પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.

વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં બાબુ નિશાર શેખનું કસ્ટોડિયલ ડેથ થયાના મામલામાં તેની લાશનો પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નિકાલ કરી નાખ્યાના આરોપ મુકયાના પગલે પ્રથમ વડોદરા પોલીસ દ્વારા તપાસ થયા બાદ સમગ્ર મામલો સીઆઇડી ક્રાઇમને સોંપાતા સીઆઇડી ક્રાઇમના એસપી ગીરીશ પંડયા ટીમ દ્વારા  તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

સીઆઇડી ક્રાઇમ આરોપી પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને લઇને વડોદરા આવી હતી જયાં ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. સીઆઇડી દ્વારા રિમાન્ડ દરમિયાન લેપટોપ અને મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા. ૧૦ દિવસ સુધી સીઆઇડીની ભારે મથામથ છતા આરોપી પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા મ્હોં ખોલવામાં ન આવતા સીઆઇડી પાસે લાઇડીટેકશન ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ સિવાય કોઇ વિકલ્પ રહયો ન હતો. આ કાર્યવાહી માટે સીઆઇડી દ્વારા વિશેષ ૧૦ દિવસનો સમય પણ માંગવામાં આવતા હાઇકોર્ટે તે મંજુર કર્યો હતો.

જે ૬ આરોપીઓ સામે ગાંધીનગર એફએસએલમાં લાઇ ડીટેકશન ટેસ્ટની કાર્યવાહી થનાર છે તેમાં  વડોદરાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.ગોહીલ, પીએસઆઇ ડી.એમ.રબારી તથા પોલીસ જવાન (લોકરક્ષક) પંકજ, યોગેન્દ્ર, રાજીવ અને હિતેષનો સમાવેશ હોવાનું બહાર આવ્યું છે.

(12:16 pm IST)