Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદ ભારે પવન અને ધૂળની ડમરી સાથે વરસાદ

બપોર બાદ અચાનક શહેરના વાતાવરણમાં પલટો : મણિનગર, વટવા, જશોદાનગર, સુભાષબ્રીજ, એરપોર્ટ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરમાં બપોર બાદ આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન તેમ જ ધૂળની ડમરીઓ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જેને લઇ આ વિસ્તારોમાં નાગરિકોને કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના મણિનગર, વટવા, જશોદાનગર, સુભાષબ્રીજ, એરપોર્ટ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક છવાઇ ગઇ હતી. શહેરમાં આજે બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ અને પવન શરૂ થઇ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ઠંડો પવન ફુંકાવાની સાથે સાથે જ વરસાદના હળવાથી ભારે ઝાપટાં શરૂ થઇ ગયા હતા.

     છેલ્લા થોડા દિવસોથી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે આ વરસાદી ઝાપટાઓના કારણે સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી હતી. ખાસ કરીને શહેરના મણિનગર, વટવા, જશોદાનગર, સુભાષબ્રીજ, એરપોર્ટ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજીબાજુ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજયના કેટલાક વિસ્તારો અને પંથકોમાં ભારે વરસાદની આગાહી કરી હોઇ અમદાવાદ શહેરમાં પણ સંભવતઃ તેની અસરરૂપે વરસાદી ઝાપટાં પડે તેવી શકયતા સેવાઇ રહી છે. જો કે, આજના વરસાદી ઝાપટાઓના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં સારી એવી ઠંડક પ્રસરી ગઇ હતી. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ આજે વરસાદ થયો હતો. સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ૩૧.૫ મીમી વરસાદ થયો છે.

(8:33 pm IST)