Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ટ્રાફિકના નિયમના વિરોધમાં લોકોની સ્વયંભુ સહી ઝુંબેશ

ઉતાવળે નવા નિયમોને લઇને ભાજપ મુશ્કેલીમાં : ટ્રાફિક નિયમના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના મિસ કોલ અને સહી ઝુબેશ અભિયાનને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો

અમદાવાદ, તા.૧૮  : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિકના નવા નિયમોને લઇ લોકોમાં જોરદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ટ્રાફિકના નવા નિયમો સામે હવે આંદોલન છેડી તેમાં આમ જનતાને સહભાગી બનાવવાના પ્રયાસો આદર્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના સહી ઝુંબેશ અભિયાનમાં સામાન્ય લોકો વિશાળ સહીબોર્ડ પર પોતાની સહી કરી ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં પોતાનો સૂર પૂરાવી રહ્યા છે તો, નવા ટ્રાફિક નિયમોના વિરોધમાં કોંગ્રેસના મિસ કોલ અભિયાનમાં પણ લોકો લાખોની સંખ્યામાં મિસ કોલ મારી પોતાનો વિરોધ અને આંદોલનને પ્રચંડ જનસમર્થન આપી રહ્યા છે. આમ, ટ્રાફિકના નવા નિયમોની ઉતાવળે અને વગરવિચાર્યે અમલવારીના કારણે ગુજરાતમાં ભાજપ સરકાર ફરી એકવાર બેકફુટ પર આવી ગઇ છે.

     ખુદ પ્રજાનો સ્વયંભુ વિરોધ અને આક્રોશ જોતાં ઉતાવળે નિર્ણયની અમલવારીમાં ભાજપ સરકાર દ્વારા કયાંક કાચુ કપાઇ ગયાની વાત હવે સામે આવી રહી છે. દરમ્યાન આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટ્રાફિકના નવા નિયમોને આડેધડ, ઉતાવળે અને વગરવિચાર્યે અમલી બનાવ્યા હોઇ નિર્દોષ પ્રજાજોની ભારે હાલાકી વધી ગઇ છે અને ગરીબ અને સામાન્ય વર્ગ આકરા દંડના આર્થિક બોજ હેઠળ દબાઇ ગયો છે. કોંગ્રેસ તરફથી તેમણે નવા ટ્રાફિક નિયમોની અમલવારીમાં સમયમર્યાદામાં રાહત જ નહી પરંતુ નવા ટ્રાફિક નિયમોની અમલવારી કોઇપણ સંજોગોમાં નહી કરવા અને તેની નાબૂદી કરવાની બહુ મહત્વની માંગણી ઉચ્ચારી હતી. બીજીબાજુ, કોંગ્રેસના મિસ કોલ અને સહી ઝુંબેશ અભિયાનને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. આજે લોકો મોટા સાઇનબોર્ડ પર સહી કરવા માટે સ્વયંભુ લાઇનમાં ઉભા રહ્યા હતા અને પોતાની સહી કરી નવા ટ્રાફિક નિયમો પરત્વે પોતાનો વિરોધ હતો.

(8:35 pm IST)