Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં નશો કરી મિત્રોના ઝઘડા વચ્ચે ચપ્પુ ઉછળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત, : સુરતના ડિંડોલી સ્થિત ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે સોમવારે રાત્રે દારૂ પીધા બાદ મિત્રો વચ્ચેના ઝઘડામાં ચાર મિત્રોએ અન્ય મિત્રને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર ઈજા થઈ હતી. દારૂનો વેપાર કરતા અને અગાઉ મારામારીના ગુનામાં ઝડપાયેલા મિત્રોએ અન્ય એક મિત્રને પણ લાકડાના ફટકા મારતા તે ભાગી છૂટ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને સુરતમાં લીંબાયત નીલગીરી સર્કલ પાસે માનસરોવર એપાર્ટમેન્ટ સી/201 માં રહેતો તેમજ હાલ કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો 21 વર્ષીય પ્રવીણ ઉર્ફે સચીન મામા મહાજન ગતરાત્રે 9.30 વાગ્યે તેના મિત્રો વિક્કી રાજપુત ( રહે.શિવહીરા નગર, નવાગામ, ડિંડોલી, સુરત ), રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો, ભોલા અને મિલન સાથે દારૂ પીવા બેઠો હતો. તે સમયે વિક્કી રાજપુતે પ્રવીણને તુ ઉમેશ સાથે કેમ ફરે છે? તે મારા મિત્ર પ્રકાશ ઉર્ફે પકાને આઠેક દિવસ પહેલા ચપ્પુ કેમ માર્યું હતુ? કહી ઝઘડો કર્યો હતો. બાદમાં વિક્કી, તેની સાથેના રોહીત ઉર્ફે ગોલુ, પ્રકાશ ઉર્ફે પકો અને ભોલાએ મળી પ્રવીણને ગાળો આપી ઢીક્કમુક્કીનો માર મારી વિક્કીએ તેની પાસેના ચપ્પુ વડે પ્રવીણને છાતીના જમણા ભાગે, ડાબા કુલ્લા ઉપર, જમણા પગના જાંધ ઉપર , રોહીત ઉર્ફે ગોલુએ ડાબા હાથના બાવડા ઉપર, પીઠ ઉપર તેમજ પ્રકાશ ઉર્ફે પકાએ જમણા હાથના કોણીના ભાગે બે ઘા માર્યા હતા. જયારે ભોલાએ જમણા હાથના બાવડા ઉપર લાકડાનો ફટકો મારી પ્રવીણને ગંભીર ઈજા પહોંચાડી હતી.

(6:09 pm IST)