Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજ્યભરમાં વરસાદનું જોર ઓછુ થયું : તંત્ર હજુ સુસજ્જ

ગુજરાતમાં વરસાદથી મોતનો આંક ૧૦૭થી વધુ : નર્મદા ડેમ પ્રથમવખત ૧૩૨.૬૧ મીટરની જળસપાટીએ ડેમના ૧૧ દરવાજા ખોલાતાં નર્મદા નદી બે કાંઠે થઇ ગઇ

અમદાવાદ, તા.૧૮ : ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ભારે વરસાદ થયા બાદ આજે જોર ઓછું રહ્યું હતું. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો હતો. ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોતનો ૧૦૭ ઉપર પહોંચી ચુક્યો છે. હાલમાં જ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો જેમાં વડોદરા, સુરત, રાજકોટ, છોટાઉદેપુર, મોરબી અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોનો સમાવેશ થાય છે. પુર સંબંધિત જુદા જુદા બનાવોમાં મોતનો આંકડો ગુજરાતમાં વર્તમાન સિઝનમાં ૧૦૭થી ઉપર પહોંચી ચુક્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે. બીજી બાજુ વરસાદી ઝાપટાનો દોર જારી રહેશે તેવી આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

      અમદાવાદમાં પણ હળવા ઝાપટા જારી રહેવાની સંભાવના છે. કેવડિયા ખાતે નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરવામાં આવતાં તેમાંથી ૧.૭૯ લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટી તેના રૂલ લેવલ ૧૩૧ મીટરથી વધીને અત્યાર સુધીની સૌથી વધુ ૧૩૨.૬૧ મીટરે પહોંચી છે. જેના પગલે એનસીએ દ્વારા ડેમના ૧૧ દરવાજા ખોલી ૧.૨૧ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં હાલમાં કેવડિયા નજીકનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. હાલ નર્મદા ડેમમાં બે લાખ કયુસેકથી વધુ પાણીની આવક સામે બે લાખ, ૩૮ હજાર કયુસેક પાણીની જાવક નોંધાઇ છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને માધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇનો દ્વારા પાણી છોડાતા નર્મદા બંધમાં ૧,૭૯,૮૯૨ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

     જેને પગલે નર્મદા બંધની જળ સપાટી સૌપ્રથમવાર અત્યારસુધીમાં ઐતિહાસિક ૧૩૨.૬૧ મીટરથી ઉપર નોંધાઇ છે. જેને પગલે નર્મદા બંધના ૧૧ ગેટ ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી ૨,૩૭,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા બંધના ટર્બાઇન સહીત નર્મદા નદીમાં હાલ ૧,૭૯,૬૬૪ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને જેને પગલે ગોરા ખાતે આવેલ બ્રિજ ડૂબી ગયો છે. ગોરા બ્રિજ ઉપરથી ત્રણ મીટરથી પાણી વહી રહ્યું છે. ગોરા બ્રિજ ડૂબી જતા હાલ અવરજવર બંધ થઇ ગઈ છે. અમદાવાદની એજન્સી દ્વારા એમઓયુ કરી આ સાઈડ વિકસાવવામાં આવી છે. હાલ ૫ાંચ કિ.મી લાંબી રાફટિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં ગરુડેશ્વર વિયર ડેમ એટલે કે ૧૫ કિ.મી સુધી લાંબી આ રિવર રાફટિંગ ડ્રાઈવ કરાવવામાં આવશે. જેમાં એક વ્યક્તિના ૧૦૦૦ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર રિવર રાફટીંગની મોજ માણી શકશે.

વરસાદનું જોર ઘટ્યું....

*   ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદનું જોર ઘટ્યું

*   ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર ઘટ્યું હોવા છતાં તંત્ર હજુ પણ સાવચેત છે

*   અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં બ્રેકની સ્થિતિ

*   નર્મદા નદીમાં પાણીની આવકમાં ઉલ્લેખનીય વધારો

*   ગોરા ખાતે આવેલ બ્રિજ ડુબી જતાં ઉત્તેજના

*   ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

*   રાજ્યભરમાં વરસાદ સંબંધિત બનાવોમાં હજુ સુધી ૧૦૭થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે

*   નર્મદા નદીમાં પાણીની આવક વધી ગયા બાદ સ્થાનિક લોકોમાં પણ ઉત્સુકતા વધી રહી છે

*       મોટી સંખ્યામાં લોકો પ્રવાહને જોવા પહોંચી રહ્યા છે

(9:29 pm IST)