Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાંને સુરત ક્રાઇમ બ્રાન્ચે કામરેજ ટોલનાકે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો

ક્રાઇમ બ્રાન્ચે કારનો કાચ તોડી વસીમને બહાર કાઢયો

સુરત: ખંડણીખોર,મારામારી તથા રીઢા આરોપી વસીમ બિલ્લાને ક્રાઇમબ્રાંચે કામરેજ ટોલનાકા પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયો હતો. વસીમ બિલ્લાએ એક મહિના અગાઉ સરદાર માર્કેટમા કોથમીરના વેપારીએ રુપિયા નહિ આપતા તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બનાવમા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને માથેભારે વસીમ બિલ્લાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

20 જુન 2019ના રોજ સુરતના સરદાર માર્કેટમા કોથમીરનો વેપાર કરતા યુસુફખાન પઠાણ સાથે માથાકુટ કરી તેની પાસે ખંડણીના ભાગરૂપે રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. જો કે યુસુફખાન દ્વારા ખંડણીની રકમ નહિ આપતા વસીમ બિલ્લો ગિન્નાયો હતો. વસીમ બિલ્લાએ તેના અન્ય બે સાગરીતો સાથે મળીને યુસુફ પઠાણ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. લોકટોળુ ભેગુ થઇ જતા વસીમ બિલ્લો ત્યાથી ભાગી છુટયો હતો.

 

આ બનાવમા વરાછા પોલીસે વસીમ બિલ્લા તેમજ તેના સાથીદારો વિરુધ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જો કે આ ઘટના બાદ પોલીસ ગીરફતથી બચવા માટે વસીમ બિલ્લો હાસોટ, મુંબઇ , નવસારીમાં ફરી રહ્યો હતો. દરમિયાન ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે, માથાભારે વસીમ બિલ્લો કામરેજ ટોલનાકા પાસેથી હાસોટ તરફ જઇ રહ્યો છે. જેથી ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ટોલનાકાને જામ કરી દેવાયો હતો તથા તેને ચારેય તરફ કોર્ડન કરી દીધો હતો. આ દરમિયાન વસીમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ક્રાઇમબ્રાચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી વસીમની કારને અટકાવી હતી અને કારનો કાચ તોડી વસીમને બહાર કાઢયો હતો. વસીમ ઉપર અગાઉ મહીધરપુરા, સલાબતપુરા મળી કુલ્લે 10 જેટલા મારામારી, ખંડણી તથા હુમલાના ગુનાઓ નોંધાઇ ચુકયા છે. અગાઉ સલાબતપુરા વિસ્તારમાં પણ દાઉદી વ્હોરા સમાજના અગ્રણીએ ખંડણી નહિ આપતા તેમને જાહેરમા પાઇપ વડે મારમાર્યો હતો. હાલ તો ક્રાઇમબ્રાચે આ બનાવમા વસીમ બિલ્લાને સુરત કોર્ટમા રિમાન્ડ માટે હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:19 pm IST)