Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

એલજીમાં બાઉન્સરો-દર્દીના સગાઓ વચ્ચે ઝપાઝપી થઈ

હોસ્પિટલોમાં બાઉન્સરોની દાદાગીરી વધી : પોલીસને હોસ્પિટલમાં જઇ મામલો થાળે પાડવાની ફરજ પડી : દર્દીઓ-સગાઓમાં બાઉન્સરોની દાદાગીરીથી રોષ

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદ શહેરમાં સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં બાઉન્સરોની દાદાગીરીના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે અને બાઉન્સરોની દાદાગીરી વધતી જતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગઇકાલે એસવીપી હોસ્પિટલમાં બાઉન્સરો અને દર્દીના સગા વચ્ચે મારામારીની ઘટના સામે આવ્યા બાદ આજે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં બાઉન્સરો અને દર્દીના સગાઓ વચ્ચે તાત્કાલિક સારવાર રૂમમાં અંદર જવા બાબતે ઝપાઝપી થઇ હતી. મહિલા બાઉન્સરને દર્દીના સગાએ ધક્કો મારી નીચે પાડી દેતા મામલો બીચકયો હતો. અન્ય બાઉન્સરોએ ભેગા મળીને દર્દીના સગાઓ સાથે રકઝક કરી ઝપાઝપી કરતાં વાત વણસી હતી અને આખરે મણિનગર પોલીસે એલજી હોસ્પિટલ આવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે,

         ગઈકાલે એસવીપી હોસ્પિટલમાં પણ દર્દીના સગાઓ અને હોસ્પિટલના બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી. રૂ.૭૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો સાથે મારામારીની ઘટનાને હજુ ૨૪ કલાક પણ વીત્યા નથી ત્યાં આજે મણિનગરની એલજી હોસ્પિટલમાં દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચેની બબાલની નવી ઘટના સામે આવી હતી. અગાઉ પણ એલજી હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરીની ફરિયાદ અને કિસ્સાઓ સામે આવી ચૂકયા છે ત્યારે વધુ એક આવો જ કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો હતો. એલજી હોસ્પિટલમાં આજે દર્દીના સગાઓએ સારવાર રૂમમાં જવા આગ્રહ કર્યો ત્યારે બાઉન્સરો દ્વારા રોકવામાં આવતાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ એક તબક્કે વાત ઝપાઝપી સુધી પહોંચી ગઇ હતી. દર્દીઓ અને તેમના સગાઓએ રોષ ઠાલવ્યો હતો કે, સરકારી અને અમ્યુકો સંચાલિત હોસ્પિટલોમાં બાઉન્સરો સલામતી માટે રાખવામાં આવ્યા છે, નિર્દોષ દર્દીઓ અને સગાઓ પર દાદાગીરી કરવા માટે નહી. અમ્યુકો તંત્ર કે સંબંધિત સત્તાવાળાઓએ બાઉન્સરોને મેનર્સ અને વાતચીતની રીતભાત શીખવાડવી જોઇએ અને જો એટલી જ બધી તાકાત બતાવવી હોય તો સરહદ પર જઇ દેશના દુશ્મનોને તેમની તાકાત બતાવે એવો આક્રોશ હોસ્પિટલમાં ચર્ચાએ ચઢયો હતો.

(8:08 pm IST)