Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સ્‍વદેશી અને વિદેશી જાયન્ટ કંપનીઓ બાદ હવે ગુજરાત દેશભરના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે આકર્ષણનું કેન્‍દ્રઃ પાંચ મહિનામાં રૂૂ.૭૦૦ કરોડનું MSME સેક્ટરમાં રોકાણ

અમદાવાદઃ સ્વદેશી અને વિદેશી જાયન્ટ કંપનીઓ બાદ હવે ગુજરાત દેશભરના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્ય સરકારના ડેટા મુજબ પાછલા 5 મહિનાથી પણ ઓછા સમયગાળામાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં રુ.700 કરોડનું રોકાણ MSME સેક્ટરમાં થયું છે.

MSME ઉદ્યોગ માટે આ સમયગાળમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(GIDC) દ્વારા 300 જેટલા પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છે. જેમાં બારડોલી, હાલોલ, સાણંદ અને કાલાવડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ પ્લોટ ફાળવણી થઈ છે. કેમ કે સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઉદ્યોગકારો જોડાયેલ હોય તેવી ઇન્ડસ્ટ્રી અથવા કંપનીઓ આ વિસ્તારમાં આવેલ છે.

રાજ્ય સરકારના ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે, જે કંપનીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે તમામ રુ.2 કરોડથી 2.5 કરોડનું રોકાણ કરશે. તેમજ જુદી જુદી GIDC વિસ્તારમાં આવલે પ્લગ એન્ડ પ્લે શેડ્સને પણ લઘુ મધ્યમ ઉદ્યોગો તરફથી સારી એવી આવક થઈ રહેશે.

નાણાંકીય વર્ષ 2017-18માં લગભગ 700 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી 20% પ્લોટ જ જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝના ફાળે હતા. જ્યારે બાકીના તમામ પ્લોટ MSME સેક્ટરના ઉદ્યોગને ફાળવાયા હતા. રાજ્ય સરકારના ડેટા મુજબ જાપાન, ચીન, તાઈવાન, જર્મની, યુએઈ અને દ.કોરિયા સહિતના દેશોની 21 જેટલી કંપનીઓએ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. જે બાદ આ મોટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ દેશના લઘુ મધ્યમ ઉદ્યોગો ગુજરાત તરફ વળી રહ્યા છે.

રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં ઓટોમોબાઈલ, ફૂડ ઇન્ડસ્ટ્રી, ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ એપ્લિકેશન અને કાપડ ઉદ્યોગને લગતા લઘુ મધ્યમ ઉદ્યોગ ગુજરાતમાં આવતા સ્થાનિક રોજગારીની તકો પણ સર્જાશે. ભલે MSME દ્વારા કરાતું રોકાણ નાનું હોય છે પણ તેમના દ્વારા રોજગારીની વિપૂલ તકો સર્જવામાં આવે છે. અત્યાર સુધીમાં થયેલા રોકાણથી લગભગ રાજ્યના કુલ 25000 પરિવારોને રોજીરોટી મળી રહેશે.

(9:12 am IST)