Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતના જાણીતા ડો. અશોક કાપસેના મૃત્યુની અફવા ફેલાઈ: તેમની પુત્રીએ વાતનું ખંડન કર્યું

બાળરોગ નિષ્ણાત ડૉ. અશોક કાપસે વેન્ટિલેટર પર હોવા છતાં હાલ તેમની તબિયત સ્થિર

 

સુરત : શહેરના ખ્યાતનામ બાળરોગ નિષ્ણાત તબીબ ડૉ. અશોક કાપસે પોતે છેલ્લા કેટલાક દિવસોથી શહેરની એક ખાનગી હોસ્પીટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. તેઓ વેન્ટિલેટર પર હોવા છતાં હાલ તેમની તબિયત સ્થિર છે. જોકે, શનિવારે સાંજે તેમની સાથે અમંગળ થયાની જોરદાર અફવા વોટ્સએપ તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી આખા શહેર તથા દેશમાં ફેલાઈ ગઈ હતી.

બાબતે ચોખવટ કરતાં તેમની સારવાર કરી રહેલા તબીબ ડો. સમીર ગામીએ જણાવ્યું હતું કે, "સુરતના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. અશોક કાપ્સેના અવસાન વિશે ફરી રહેલ મેસેજ તદ્દન પાયાવિહોણા અને અસત્ય છે. તેમની તબિયત વેન્ટિલેટર ઉપર સ્થિર છે." વાયુ વેગે પ્રસરેલી અફવાને પગલે ડો. કાપસેના પરિવારજનો પણ ખૂબ વ્યથિત હતા. તેમની પુત્રી રૂચા શેઠે સોશિયલ મીડિયાના મધ્યમ થકી સંદેશો પાઠવ્યો હતો કે ડો. કાપસેની વેન્ટિલેટર પર સારવાર થઈ રહી છે અને તેમની તબિયત સ્થિર છે. લોકોને પાયાવિહોણા સમાચાર નહીં ફેલાવવા અપીલ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવી અફવાઓથી કપરા સમય દરમ્યાન પરિવારજનોની લાગણીને ઠેસ પહોંચે છે.

(11:54 pm IST)