Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કોરોનાના સંક્રમણને રોકવા અમદાવાદની ઝોનલ કચેરીમાં 15 ઓગસ્ટ સુધી રેશન કાર્ડની તમામ કામગીરી બંધ રહેશે

સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. લોકો માસ્ક પહેર્યાં વગર કચેરીમાં પ્રવેશે છે.

અમદાવાદઃ કોરોના સંક્રમણને રોકવા ભાવનગર, ભરૂચ બાદ હવે અમદાવાદ શહેરમાં આવેલી તમામ 15 ઝોનલ કચેરીઓમાં હાલનાં તબક્કે હંગામી તેમજ કામચલાઉ ધોરણે રેશન કાર્ડને લગતી કામગીરી જેવી કે નવું બારકોડેડ રેશન કાર્ડ, નામનો ઉમેરો કે કમી કરવાનું તેમજ એન.એફ.એસ.એ. ફોર્મને લગતી કામગીરી 15મી ઓગસ્ટ સુધી બંધ રાખવાનું અમદાવાદ શહેરનાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકે જાહેર કર્યું છે.

તેમણે જણાવ્યું છે કે, રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા કોરોના વાયરસના ચેપને નિયત્રિંત કરવા અરજદારો સાથે સીધા સંપર્કમાં આવતાં કર્મચારી અધિકારીઓ તેમ જ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગ માટે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાની સૂચનાઓ આપી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “મદદનીશ નિયંત્રકોનાં અહેવાલ અને તેઓ દ્રારા કચેરીના વ્હોટ્સએપ ગ્રપમાં મોકલેલા ફોટોગ્રાફસ અને વીડીયો અનુસાર અત્રેની તાબાની તમામ 15 ઝોનલ કચેરીઓમાં હાલમાં રોજરોજ લગભગ અંદાજિત 300થી 500 માણસોથી પણ વધુ અરજદારોની ભીડ એકત્રિત થાય છે. તેમ જ ઘણાં અરજદારોની અગ્નતાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી. લોકો માસ્ક પહેર્યાં વગર કચેરીમાં પ્રવેશે છે. તેમ જ વધુ પડતી ભીડનાં કારણે અંદરોઅંદર ઝગડા તેમ જ મારામારીના કિસ્સામાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાવાના પ્રસંગો બને છે. તેમજ ત્યાં ડયૂટી પરનાં પોલીસ કર્મીથી બેકાબુ ભીડને કાબુમાં રાખી શકાતી નથી.

(11:17 pm IST)