Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

આરોપીને સિવિલમાં ૪૬ દિવસ સુધી સારવાર કરીને કોરોનામુક્ત કરાયો

૨૦૦૮માં સિવિલમાં થયા હતા બ્લાસ્ટ થયા હતા : સિરિયલ બ્લાસ્ટના આરોપી મોહમ્મદ હબીબ ફલાહીને આ જ હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર આપી કોરોનાથી બચાવી લીધો હોવાની ચોંકાવનારી ઘટના

અમદાવાદ, તા. ૧૮ : અમદાવાદમાં જુલાઈ ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં સિવિલ હોસ્પિટલને પણ નિશાન બનાવાઈ હતી. ટ્રોમા સેન્ટરમાં કરાયેલા બ્લાસ્ટમાં ૩૭ લોકો માર્યા ગયા હતા. જોકે, સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી મોહમ્મદ હબીબ ફલાહીને હોસ્પિટલમાં ડોક્ટરોએ ૪૬ દિવસ સુધી સારવાર આપી કોરોનાથી બચાવી લીધો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

હબીબ ફલાહીને જ્યાં સારવાર આપવામાં આવી રહી હતી તે કોરોના વોર્ડ ૨૦૦૮માં જ્યાં બ્લાસ્ટ થયા હતા તેની સાવ નજીકમાં આવેલો છે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૭૮ આરોપીઓ સામે હાલ કેસ ચાલી રહ્યો છે. ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ શહેરમાં અલગ-અલગ ૧૯ ઠેકાણે બ્લાસ્ટ થયા હતા. તેમાંય હોસ્પિટલ પર આતંકવાદી હુમલો થયો હોય તેવી પહેલી ઘટના હતી.

આરોપી ફલાહીને કોરોનાની લાંબી સારવાર બાદ ગુરુવારે સાંજે ડિસ્ચાર્જ આપી સાબરમતી જેલ મોકલી દેવાયો હતો. જેલમાં તે છેલ્લા ૧૨ વર્ષથી બંધ છે. તેને તાવ સાથે સતત સૂકી ખાંસી આવતી હોવાની ફરિયાદ બાદ જુનના રોજ તેને સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેને હાયપરટેન્શનની સમસ્યા હોવાથી સાજા થવામાં ૪૬ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો.

સારવાર દરમિયાન આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને વચ્ચે-વચ્ચે આઈસીયુમાં પણ ખસેડવામાં આવ્યો હતો. હબીબને કોરોના થયો હોવાનું જાણી યુપીના આઝમગઢથી તેનો ભાઈ આમીર પણ અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે શુક્રવારે પણ તેને પોતાના ભાઈની સ્થિતિ અંગે માહિતી નહોતી અપાઈ. તેણે તપાસ કરી તો કહેવાયું હતું કે ગુરુવારે સાંજે તેને રજા આપી દેવાઈ છે.

આમીર પોતાના ભાઈ હબીબ સાથે કોવિડ વોર્ડમાં ઊભી કરાયેલી વિડીયો કોન્ફરન્સની સુવિધાથી નિયમિત વાત કરતો હતો. જોકે, જુનના છેલ્લા સપ્તાહમાં હબીબને વિડીયો કોન્ફરન્સ સુવિધા વાપરવાનો ઈનકાર કરી દેવાયો હતો. જેની સામે આમીર કેસની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટમાં ગયો હતો, અને આખરે કોર્ટે હોસ્પિટલને આરોપીને વિડીયો કોન્ફરન્સ સુવિધા વાપરવા દેવા આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ સિવિલમાં સારવાર લેવા આવતા ડરે છે. ઓગસ્ટ ૨૦૧૯માં મોહમ્મદ ઈસ્માઈલ મન્સુરી નામના આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સિવિલમાં દાખલ થવાનો ઈનકાર કરતા તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે ભય વ્યક્ત કર્યો હતો કે સિવિલમાં તેની સાથે ડોક્ટરો ભેદભાવ કરી શકે છે. આખરે કોર્ટે હોસ્પિટલને આરોપીની સારવારની વિડીયોગ્રાફી કરવા આદેશ આપ્યો હતો, અને તેને જ્યાં રખાયો હતો ત્યાં સીસીટીવી કેમેરા મૂકાયા હતા.

(9:58 pm IST)