Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સચિવાલયની મહિલા IASનાં જ ખાસ અધિકારીઓ ગૌરવ દહિયાને ફસાવવા સક્રિય હતા : મોટો આરોપ

રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં ડૉ. ગૌરવ દહિયા કોરોના મહામારીમાં ફરજ બજાવવા તૈયાર

અમદાવાદઃ ગુજરાત કેડરનાં સસ્પેન્ડેડ IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયાનાં એડ્વોકેટ હિતેશ ગુપ્તાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ઘટસ્ફોટ કર્યો છે કે “લીનુસિંગ અને તેનાં પતિ કુલદીપ સિવાય સચિવાલયનાં એક મહિલા IAS નાં ખાસ અધિકારીઓ ડૉ. દહિયાને ફસાવી તેમની નોકરી પર તરાપ મારવા સક્રિય હતાં. આ અધિકારીઓ આરોગ્ય વિભાગમાં છે. લીનુ સાથે આ અધિકારીની વાતચીતનાં પુરાવા પોલીસને મળ્યાં છે. જે અંગે પોલીસ વધુ તપાસ કરે છે.

બીજી તરફ દિલ્હી માલવીયનગર પોલીસનાં તપાસ અધિકારી લીનુનાં ઉત્તરપ્રદેશ ખાતેનાં ગામે તપાસમાં પહોંચ્યાં ત્યારે તેના પિતાએ લીનુ નેપાળમાં હોવાનું કહી ફોન પર વાત કરાવી હતી. ત્યારે લીનુએ તપાસ અધિકારીને ધમકી આપી કે તે માલવીયનગર પોલીસ સ્ટેશન સામે પેટ્રોલ છાંટી સળગી આત્મહત્યા કરશે અને સ્યુસાઈડ નોટમાં ગૌરવ દહિયા અને પોલીસ અધિકારીનું નામ લખી બન્નેને ફસાવી દેશે.

ડૉ. ગૌરવ દહિયાનાં એડ્વોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે,દિલ્હી પોલીસે આરોપી લીનુ અને તેનાં પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેમાં લીનુસિંગ અને તેનાં પતિ કુલદીપ દિનકરે તેમનાં અસીલને ફસાવવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડી રૂ. 20 કરોડ અને દિલ્હીમાં એક ફ્લેટ લેવાની યોજના બનાવી હતી. જે ગુનાઈત પ્રવૃત્તિ ખુલ્લી પડી ગઈ છે.

ગાંધીનગરમાં લીનુએ પોસ્ટ દ્વારા અરજી મોકલી પણ તે અરજીને ઓપન કરાવવામાં કેટલાંક અધિકારીઓ સક્રિય હતાં. આ અધિકારીઓ લીનુનાં સંપર્કમાં હતાં. આર્થિક તકલીફમાં હોવાનું કહેતી લીનુ વૈભવી કલબ હાઉસમાં રોકાઈ હતી તે વ્યવસ્થા પણ કેટલાંક ચોક્કસ લોકોએ કરી હતી. આ બધી તપાસ ચાલી રહી છે.”

આરોપીઓએ સોશિયલ મીડીયા ફેસબુક, ગૂગલ, ઈન્સ્ટાગ્રામ પર 17 જેટલાં ફેક એકાઉન્ટ બનાવી તેનાં પર જુદી-જુદી પોસ્ટ કરી ગૌરવ દહિયાને બદનામ કર્યા હતાં. આ અંગે ગૌરવ દહિયાએ લીનુ વિરુદ્ધ 2.05 કરોડનો બદનક્ષીનો દાવો કોર્ટમાં કર્યો હતો. જેમાં સોશિયલ મીડીયાને પણ પાર્ટી બનાવી હતી. સોશિયલ મીડિયાનાં વકીલે કોર્ટમાં હાજર રહી નોટીસ સ્વીકારી આ પોસ્ટ હટાવવા માટે કાર્યવાહી કરી છે.

સસ્પેન્ડેડ IAS ડૉ. ગૌરવ દહિયાનાં એડ્વોકેટ હિતેશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “તેમનાં અસીલે રાજ્ય સરકારને તેમની વિરૂદ્ધનાં આક્ષેપો તદ્દન પાયાવિહોણાં હોવાની રજૂઆત કરી તેઓનું સસ્પેન્શન રદ કરી તેમણે પરત નોકરી પર લેવા જણાવ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે ત્યાં ડૉ. ગૌરવ દહિયા કોરોના મહામારીમાં ફરજ બજાવવા તૈયાર છે. આ ઉપરાંત લીનુએ તેની કુખે જન્મેલું સંતાન દહિયાનું છે તેવા આક્ષેપ કર્યા છે. જે મુજબ તેઓએ DNA ટેસ્ટ જ્યાં કહો ત્યાં કરાવવા માટે પણ તૈયારી બતાવી છે.”

(7:00 pm IST)