Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગાંધીનગર નજીક પોલીસના જુગારધામ પર એલસીબીનો દરોડો: આઠ જુગારીઓ ઝડપાયા : બે પોલીસકર્મી ફરાર

જુગારીયાઓને ઈક્કો ગાડીમાં બેસાડી ટોકના આપતા: ફરાર બે પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ

ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામની સીમમાં પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ભાગીદારીમાં શરુ કરવામાં આવેલા જુગારધામ પર એલસીબી-2 એ દરોડો પાડ્યો હતો, જેમાં 8 જુગારીયાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે 33,200 રોકડા, મોબાઈલ મળીને કુલ 62,670નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમનો ગુનો નોંધીને ફરાર પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ શરુ કરી છે.

ઉનાવા ગામની સીમા પ્રવિણ સિંહ ડાબીના તબેલાની બાજુમાં મુબારક પુરમાં રહેતો કમલેશ ચિમન પટેલ ઉર્ફે કેસી પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયપાલ સિંહ રોઠોડ અને હેડ ક્વોટરના કોન્સ્ટેબલ ઘનશ્યામ સિંહ ઉર્ફે જમાદાર પ્રતાપ સિંહ વાધેલા પોતાના ફાયદા માટે જુગાર ધામ ચલાવે છે. આ બાતમીના આધારે એલસીબી-2ના પીઆઈ એચપી ઝાલા,પીએસઆઈ પીડી વાઘેલા અને સ્ટાફના માણસોએ ગત રાત્રે ઉનાવા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કમલેશ ચિમન પટેલ, કાર્તિક હરિરામ મહેશવરી, બાબુ સાહર રબારી, કિશોર દેવીલાલ પડિયાર, ભીમાજી હીરાજી સોંલકી,ડો.અશ્વિન મુળજી જસાણી, જગદીશ રણછોડ પટેલ અને સલીમ રસુલ મન્સુરી મળીને કુલ આઠ જુગારીયાઓને પકડ્યા હતા.

એલસીબી પીઆઈ એચપી ઝાલાના જણાવ્યા અનુસારજુગારધામ કમલેશ પટેલ ઉર્ફે કેસી, શંભુ રબારી, કોન્સ્ટેબલ ઘનશ્યામ સિંહ વાઘેલા અને જયપાલ સિંહ રાઠોડ એકબીજાની મદદગારીથી જુગારધામ ચલાવતા હતા. પેથાપુર ચોકડી પાસે જુગારીયાઓને બોલાવીને તેમની પાસેથી રોકડા રુપિયા લઈ લેતા તેના બદલામાં કોઈન આપીને જુગારીયાઓને ઈક્કો ગાડીમાં બેસાડીને ઉનાવાના જુગારઘામ પર લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આઠ જુગારીઓની ધરપરકડ કરી છે અને વોન્ટેડ બે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક આરોપીની શોધખોળ કરી રહી છે.

(7:01 pm IST)