Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

આણંદ નજીક સામરખામાં એક્સપ્રેસ હાઇવે પર અજાણ્યા વાહને મોટરસાયકલને હડફેટે લેતા શખ્સનું સારવાર દરમ્યાન મૃત્યુ

આણંદ:પાસેના સામરખા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેથી ભાલેજ તરફ જવાના માર્ગ ઉપર આવેલ કેનાલ નજીક ગઈકાલ સમીસાંજના સુમારે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર એક શખ્શનું પટકાવાના કારણે કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શખ્શને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ગઈકાલ સમીસાંજના સુમારે એક મોટરસાયકલ ઉપર સવાર થઈને બે મિત્રો સામરખા ગામ નજીકના એક્સપ્રેસ વેથી ભાલેજ તરફ જવાના માર્ગ ઉપર આવેલ નાની કેનાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર બંને યુવકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ૧૦૮ ઈમરજન્સીને જાણ કરતા ૧૦૮ વાન ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘવાયેલા યુવકને સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમ્યાન આ ઘટનાની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. દરમ્યાન મોટરસાયકલના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ બંને યુવકો આણંદ શહેરના અક્ષરફાર્મ રોડ ઉપર આવેલ એકતાનગર ખાતે રહેતા હોવાનું અને તે પૈકી અશોક વસાવા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)