Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓની સારસંભાળ માટે ૨ રોબોટ મુકાયાઃ વાયરસનું સ્ક્રીનીંગ-દવા લેવા-મુકવાની કામગીરી કરશે

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જ જઇ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરો અગ્રેસર છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોના દર્દીઓની સારસંભાળ રાખવા બે રોબોર્ટ લાવવામાં આવ્યાં છે. જે કોરોના વાયરસનું સ્ક્રિનીંગ તેમજ આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે દવા લઇ જવાનું કામ કરશે. ઉપરાંત OPD માં આવતા દર્દીઓનું પણ થર્મલ સ્ક્રિનીંગ કરશે.

તમને જણાવી દઇએ કે સયાજી હોસ્પિટલમાં એક સાથે 500 થી પણ વધારે દર્દીઓ સારવાર લઇ શકે તે માટે કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલમાં અલગ-અલગ બીમારી માટે આવતા દર્દીઓ તેમજ તેનાં પરિવારજનો કોવિડ-19 નો ટેસ્ટ કરાવવા માટે આવતા દર્દીઓ ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓનું કામ હોસ્પિટલનો સ્ટાફ કરતો હતો. જ્યારે હવે સ્ટાફ સતત કોરોના વાઇરસનાં ભય હેઠળ કામ કરી રહ્યો હતો. જેને લીધે એક ખાનગી કંપની દ્વારા સયાજી હોસ્પિટલમાં સી.એસ.આર. ફંડ હેઠળ આ બે રોબોટ આપવામાં આવ્યાં છે.

કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને દવા આપવી તેમજ જમવાનું આપવા સહિતનાં અનેક કામો કરશે. હાલમાં આ બે રોબોટ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓ તેમજ તેમની સાથે આવતા પરિવારજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આવનારા દિવસોમાં વધુ રોબોટ મુકવામાં આવશે.

એસ.એસ.જી. હોસ્પિટલનાં સુપ્રિટેન્ડટ રાજીવ દેવેશ્વરે સ્વયંસંચાલિત રોબોર્ટથી કોવીડ-19 નાં દર્દીઓની સારવારમાં કેવી રીતે મદદરૂપ થશે તે અંગે જણાવ્યું છે કે, “આ બે રોબોર્ટની સેવા ICU તેમજ આઈસોલેશન વોર્ડમાં લેવામાં આવશે. જે ખાસ કરીને દર્દીઓને દવાઓ તેમજ ભોજન આપવામાં વધારે મદદરૂપ થશે.”

આ ઉપરાંત એસ.એસ.જી. હોસ્પિટલને એક થર્મલ સ્ક્રિનિંગ મશીન પણ અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનનાં માધ્યમથી લોકોએ માસ્ક પહેર્યું છે કે નહીં તે અને સાથે સાથે ટેમ્પરેચર પણ ચેક કરે છે. આમ, સ્વયંચાલિત આ મશીન દ્વારા જો માસ્ક ન પહેર્યું હોય અથવા તો નિયત તાપમાન કરતા વધારે ટેમ્પરેચર બતાવે તો તેમનાં પ્રવેશ અંગે રેડ સિગ્નલ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, આ રોબોટ્સ અને સ્ક્રિનિંગ મશીન દ્વારા હોસ્પિટલની સુવિધામાં વધારે ફાયદો થશે.

શું છે આ રોબોર્ટની વિશેષતા?

– જો કોઇ ટેબલ-ખુરશી વચ્ચે આવે તો તેની જાતે જ ઓળખ કરીને યોગ્ય માર્ગ શોધી શકે છે.

– આ રોબોટ્સ આઇસોલેશન વોર્ડનાં મોટા ભાગનાં વિસ્તારમાં સેવા આપવા સક્ષમ.

(5:05 pm IST)